મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઉત્તર પ્રદેશમાં અખિલેશ માત્ર 60 સીટ આપવા તૈયાર, કોંગ્રેસને જોઈએ છે 125! શું તૂટી જશે સપા-કોંગ્રેસ ગઠબંધન?

ઉત્તર પ્રદેશમાં અખિલેશ માત્ર 60 સીટ આપવા તૈયાર, કોંગ્રેસને જોઈએ છે 125! શું તૂટી જશે સપા-કોંગ્રેસ ગઠબંધન?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈને રાજકીય હિલચાલ તેજ થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટી (SP) સાથે ગઠબંધનમાં ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહેલી કોંગ્રેસ આ વખતે ઓછામાં ઓછી 125 થી 150 બેઠકો પર દાવો ઠોકવાની મજબૂત વ્યૂહરચના બનાવી રહી છે. આ સીટ વહેંચણીની સમગ્ર કવાયતને ખુદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લીડ કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે યુપી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે આશરે 3 કલાક લાંબી મેરેથોન બેઠક યોજીને 175 જેટલી સંભવિત બેઠકોના સમીકરણો પર વિગતવાર ચર્ચા કરી હતી.

કોંગ્રેસનો ‘૩-કેટેગરી’ ફોર્મ્યુલા

ગઠબંધનની વાટાઘાટોમાં ઉતરતા પહેલાં કોંગ્રેસે બેઠકોનું ત્રણ શ્રેણીઓમાં વિભાજન કર્યું છે:

કેટેગરી A (100 બેઠકો): આ એવી બેઠકો છે જ્યાં કોંગ્રેસ પોતાની જીત અંગે સૌથી વધુ આશ્વસ્ત છે.

કેટેગરી B (40-50 બેઠકો): જ્યાં પાર્ટીનો સારો જનાધાર છે અને થોડી મહેનતથી જીત શક્ય છે.

કેટેગરી C (25-35 બેઠકો): આ બેઠકો વૈકલ્પિક અથવા સોદાબાજી (bargaining) માટે રાખવામાં આવી છે.

પાર્ટીનું લક્ષ્ય નવેમ્બર મહિના સુધીમાં સીટ વહેંચણીની આ આખી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આટોપી લેવાનું છે.

લોકસભાના પરિણામો બન્યા આધાર

૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી સાથે મળીને લડવાથી કોંગ્રેસને મોટો ફાયદો થયો હતો અને પાર્ટીએ 17માંથી 6 લોકસભા બેઠકો જીતી હતી. આ પ્રદર્શનના આધારે કોંગ્રેસ હવે દરેક લોકસભા ક્ષેત્ર હેઠળ આવતી ઓછામાં ઓછી એક વિધાનસભા બેઠક પર લડવા માંગે છે. 2024ના આંકડા મુજબ કોંગ્રેસ 38 વિધાનસભા ક્ષેત્રોમાં પ્રથમ ક્રમે અને 42 બેઠકો પર બીજા ક્રમે રહી હતી. આથી આ તમામ 80 બેઠકો કોંગ્રેસની પ્રાથમિકતા યાદીમાં મોખરે છે. આ ઉપરાંત અજય રાય, અજય લલ્લુ, સુપ્રિયા શ્રીનેત અને નદીમ જાવેદ જેવા કદાવર નેતાઓની બેઠકો પણ સામેલ છે. રસપ્રદ બાબત એ છે કે, કોંગ્રેસ અમેઠી, રાયબરેલી અને સહારનપુરની એવી બેઠકો પર પણ દાવો કરી રહી છે જ્યાં હાલમાં સપાના ધારાસભ્યો છે.

અખિલેશ યાદવનું વલણ અને પડકારો

ગઠબંધન હોવા છતાં સપા પ્રમુખ અખિલેશ યાદવ બહુ વધારે બેઠકો આપવાના મૂડમાં જણાતા નથી. સપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, અખિલેશ યાદવ કોંગ્રેસને 60-65થી વધુ બેઠકો આપવાના પક્ષમાં નથી. તેમનું માનવું છે કે બેઠકોની વહેંચણી માત્ર ને માત્ર "જીતવાની ક્ષમતા" (Winnability)ના આધારે જ થવી જોઈએ, કારણ કે સપા પોતે રાજ્યની 403માંથી આશરે 350 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.

બીજી તરફ, સંભવિત તણાવ નિવારવા અને ગઠબંધનને સુમેળભર્યું રાખવા કોંગ્રેસે પોતાના સંગઠનમાં પણ ફેરબદલ કર્યા છે. અજય રાયના સ્થાને અખિલેશ યાદવ સાથે સારા સંબંધો ધરાવતા આરાધના મિશ્રાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે, જ્યારે 18% મુસ્લિમ મતોને સાધવા સાંસદ ઇમરાન મસૂદને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે.

આ સમાચાર શેર કરો