એર ઇન્ડિયાની અમેરિકા માટેની સીધી ફ્લાઇટ ફરી શરૂ, મુસાફરીમાં 3 કલાકનો ઘટાડો

એર ઇન્ડિયા (Air India)એ મુંબઈ અને નવી દિલ્હીથી અમેરિકા જતી નોન-સ્ટોપ ફ્લાઇટ્સ (Non-stop Flights) ફરી ઇરાકના એરસ્પેસ (Iraqi Airspace) મારફતે શરૂ કરી છે. આ નવા રૂટને કારણે હવે મુસાફરોને રોમમાં ઇંધણ ભરાવવા માટે ટેકનિકલ સ્ટોપ (Technical Refuelling Halt) લેવાની જરૂર નહીં પડે. પરિણામે અમેરિકા પહોંચવાનો સમય અંદાજે 2થી 3 કલાક ઘટશે. અગાઉ લગભગ 21 કલાક લાગતા હતા, જે હવે ઘટીને અંદાજે 18 કલાક થશે.
ઇરાકના એરસ્પેસનો ફરી ઉપયોગ શરૂ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે અગાઉ ઇરાકનું હવાઈ ક્ષેત્ર બંધ થતાં એર ઇન્ડિયાની અમેરિકા જતી લાંબા અંતરની ફ્લાઇટ્સને લાંબો રૂટ લેવો પડતો હતો. આ દરમિયાન રોમમાં ઇંધણ ભરાવવા માટે રોકાવું પડતું હતું. હવે ઇરાકના એરસ્પેસનો ઉપયોગ ફરી શરૂ થતાં સીધી મુસાફરી શક્ય બની છે. હાલ એર ઇન્ડિયા દિલ્હી અને મુંબઈથી અમેરિકાની ચાર ફ્લાઇટ્સ ચલાવે છે. તેમાં ન્યૂયોર્કના જ્હોન એફ. કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ (JFK) માટે બે અને નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે બે ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.
ગુજરાત ઉપરથી પસાર થશે દિલ્હીથી જતી ફ્લાઇટ
નવા રૂટ મુજબ દિલ્હીથી ઉપડતી ફ્લાઇટ્સ રાજસ્થાન અને ગુજરાત ઉપરથી પસાર થઈ ઓમાન, UAE, કુવૈત, ઇરાક અને તુર્કી થઈ યુરોપ અને ત્યારબાદ અમેરિકા પહોંચશે. અગાઉ આ ફ્લાઇટ્સ ઓમાન, યમન અને દક્ષિણ સાઉદી અરેબિયા ઉપરથી પસાર થઈ રોમમાં રોકાતી હતી. મુંબઈથી જતી ફ્લાઇટ્સ પણ અરબી સમુદ્ર પાર કર્યા બાદ સમાન રૂટનો ઉપયોગ કરશે. એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમી દેશો તરફના રૂટ માટે હવે વૈશ્વિક હવાઈ ક્ષેત્રમાં વધુ વિકલ્પો ઉપલબ્ધ થતાં ફ્લાઇટ સંચાલનમાં લવચીકતા વધી છે. જોકે, મધ્ય પૂર્વમાં ફરી કોઈ અશાંતિ સર્જાય તો આ રૂટમાં ફેરફાર થઈ શકે છે.
એર ઇન્ડિયાના કાફલામાં નવા વિમાનો ઉમેરાશે
એર ઇન્ડિયા પાસે હાલમાં 61 વાઇડબોડી વિમાનો છે. કંપનીને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પ્રથમ એરબસ A350-1000 મળવાની અપેક્ષા છે. માર્ચ સુધીમાં આવા ત્રણ વિમાનો મળવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત જાન્યુઆરીમાં નવું બોઇંગ 787-9 વિમાન પણ કાફલામાં સામેલ થવાની શક્યતા છે. કંપની 2027ના અંત સુધીમાં પોતાના આશરે 70 ટકા વાઇડબોડી વિમાનોમાં નવીનીકૃત કેબિન (Upgraded Cabins) ઉપલબ્ધ કરાવવાની યોજના ધરાવે છે. નવા વિમાનોમાં બિઝનેસ ક્લાસની નવી બેઠકો સહિત મુસાફરોને વધુ સુવિધાઓ મળશે.




