મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઉદયપુર બબાલ: તંત્રએ આરોપીના ભાડાના મકાન પર ચલાવ્યું બુલડોઝર!, લોકોએ કહ્યું- આ કેવી કાર્યવાહી

ઉદયપુરમાં શુક્રવારે એક સરકારી શાળાના બે વિદ્યાર્થી વચ્ચે લડાઈ થઈ હતી. જે બાદ તણાવની સ્થિતિની સ્થિતિ સર્જાઈ હતી.

ઉદયપુર બબાલ: તંત્રએ આરોપીના ભાડાના મકાન પર ચલાવ્યું બુલડોઝર!, લોકોએ કહ્યું- આ કેવી કાર્યવાહી

ઉદયપુરમાં શુક્રવારે એક સરકારી શાળાના બે વિદ્યાર્થી વચ્ચે લડાઈ થઈ હતી. જે બાદ તણાવની સ્થિતિની સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે ઈન્ટરનેટની સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા આરોપી વિદ્યાર્થીના ઘર પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. બુલડોઝર ચલાવતી વખતે પોલીસને સાથે રાખીને તમામ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, આરોપીનો પરિવાર આ ઘરમાં ભાડેથી રહેતો હતો. 

તંત્રએ આરોપીના ઘર પર બુલડોઝર ફેરવ્યા બાદ જાણવા મળ્યું કે, આરોપી તેના પરિવાર સાથે તે મકાનમાં ભાડેથી રહેતો હતો. હવે આ કાર્યવાહી બાદ તંત્રની કાર્યવાહી શંકાના ઘેરામાં આવી છે. લોકોનું કહેવું છે કે આરોપીઓ સામે કાર્યવાહી કરવાને બદલે નિર્દોષ સામે કાર્યવાહી કરવામાં આવી અને તેનું ઘર તોડી પાડવામાં આવ્યું.

ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીની હાલત હજુ નાજુક

મળતી માહિતી પ્રમાણે, સમગ્ર ઘટના ગત શુક્રવારની (16 ઓગસ્ટ) સવારમાં ઘટી હતી. જ્યારે થોડા દિવસો પહેલા બંને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ગઈ કાલે એક વિદ્યાર્થી તેની બેગમાં ચાકુ લઈને આવીને અન્ય બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. જે બાદ તેને લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીની હાલત હજુ નાજુક છે, હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યાં મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.

ઉદયપુર જિલ્લા કલેક્ટર અરવિંદ કુમારે કહ્યું કે, 'અમારી પ્રથમ પ્રાથમિકતા હોસ્પિટલમાં દાખલ બાળકની સુરક્ષા છે. જેની સારવાર ચાલી રહી છે, અમે તેની શ્રેષ્ઠ સારવારની ખાતરી આપી રહ્યા છીએ. જ્યારે અમને ખબર પડી કે, આરોપીની મિલકત વન વિભાગની જમીન પર છે જે બાદ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. '

ટોળાએ વાહનો સળગાવ્યાં

આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં ટોળુ રસ્તા પર ઉતરી આવીને બહાર પાર્ક કરેલા વાહનો પર પથ્થરમારો કરવાનું શરુ કરી દીધું હતું. આ ઉપરાંત, ટોળાએ કેટલાક વાહનોમાં આગ પણ લગાવી હતી. આ પછી શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી. તેવામાં સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ આવીને સ્થિતિ કાબુમાં લીધી હતી. 

ઈન્ટરનેટની સેવા કરાઈ બંધ

બીજી તરફ, સુરક્ષાની ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા શુક્રવાર રાતના 10 વાગ્યાથી શનિવાર રાતના 10 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જિલ્લામાં 163 કલમ લાગુ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો