Video: ભારત-નેપાળ સંબંધોમાં નવો અધ્યાય: PM મોદી અને નેપાળના PM બાલેન શાહે અયોધ્યા-જનકપુર ટ્રેનનો કરાવ્યો શુભારંભ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ (બાલેન શાહ) વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક સંપન્ન થઈ છે. આ બેઠક બાદ બંને દેશોના વડાપ્રધાનોએ ઐતિહાસિક પગલું ભરતા ભગવાન શ્રીરામની નગરી અયોધ્યાથી માતા સીતાની નગરી જનકપુર (નેપાળ) વચ્ચે દોડનારી સીધી ટ્રેન સેવાનો શુભારંભ કરાવ્યો હતો.
અયોધ્યા અને મિથિલાની સંસ્કૃતિનું પાવન મિલન: CM યોગી
આ ઐતિહાસિક અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બંને નેતાઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, "હું સૌપ્રથમ આ બંને પવિત્ર તીર્થસ્થળોને ભારતીય રેલવેની આ સેવા સાથે જોડવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિનંદન કરું છું અને અયોધ્યાવાસીઓ તરફથી નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહનું હાર્દિક સ્વાગત કરું છું." તેમણે વધુમાં ઉમેર્યું કે, અયોધ્યા અને મિથિલા એ બે સંસ્કૃતિઓનું પાવન મિલન છે, જે આ ટ્રેનના સ્વરૂપમાં ફરી એકવાર જીવંત થઈ રહ્યું છે. આ સેવા શરૂ થવાથી નેપાળના શ્રદ્ધાળુઓ હવે ખૂબ જ સરળતાથી અયોધ્યા આવીને રામલલાના દર્શન કરી શકશે.
PM મોદી અને બાલેન શાહ વચ્ચે આધ્યાત્મિક ભેટની આપ-લે
મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે આત્મીયતા અને સાંસ્કૃતિક જોડાણ જોવા મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહને ભેટ સ્વરૂપે પ્રયાગરાજના પવિત્ર ત્રિવેણી સંગમનું જળ અર્પણ કર્યું હતું. બીજી તરફ, નેપાળના વડાપ્રધાને પણ ભારતીય વડાપ્રધાનને પવિત્ર રુદ્રાક્ષની માળા અને નેપાળના સુપ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરનો પ્રસાદ ભેટમાં આપ્યો હતો.
દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર
આ અગાઉ વિદેશ મંત્રાલયે (MEA) માહિતી આપી હતી કે વડાપ્રધાન મોદીએ નવી દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસ ખાતે નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોના વિવિધ પાસાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી અને દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત તેમજ ગાઢ બનાવવા માટેના નવા રસ્તાઓ શોધવા પર ભાર મૂક્યો હતો.









