VIDEO: દિલ્હીની દ્વારકા ટનલમાં ચાલુ ગાડીમાં લાગી ભીષણ આગ, હાઈટેક સેફ્ટી સિસ્ટમે 12 મિનિટમાં ઓલવી કારની આગ
રોડ પર મુસાફરી કરતી વખતે જો અચાનક કોઈ ટનલની અંદર ગાડીમાં આગ લાગી જાય, તો સ્થિતિ અત્યંત ગંભીર અને જોખમી બની શકે છે. દિલ્હીમાં નવી બનેલી દ્વારકા ટનલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં આધુનિક સુરક્ષા ટેકનોલોજીના કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી. ટનલમાં લાગેલી આગને ઓટોમેટિક સિસ્ટમે ગણતરીની મિનિટોમાં શોધી કાઢી હતી અને કોઈપણ જાનહાનિ વિના તેના પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટના દર્શાવે છે કે મુશ્કેલ સમયમાં 'નેક્સ્ટ જનરેશન સ્માર્ટ ટનલ ટેકનોલોજી' કેટલી મદદરૂપ સાબિત થઈ શકે છે.
રવિવારે (૧૩ જુલાઈ) સવારે દિલ્હીની એમસી-10 ટનલ (Dwarka MC-10 Tunnel) માં એક વાહનમાં અચાનક આગ લાગી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, એન્જિનના ભાગમાં સર્જાયેલી ખામીના કારણે આ આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ટનલની અંદર લગાવવામાં આવેલી આધુનિક સુરક્ષા સિસ્ટમ તરત જ એક્ટિવ થઈ ગઈ હતી, જેના કારણે આગ ફેલાય તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. રાહતની વાત એ રહી કે આ અકસ્માતમાં કોઈ વ્યક્તિ ઘાયલ થઈ નથી અને ટનલના માળખાને પણ કોઈ મોટું નુકસાન થયું નથી.
સેકન્ડોમાં એક્ટિવ થઈ સિક્રેટ સેફ્ટી સિસ્ટમ
મળતી માહિતી મુજબ, સવારે ૧૦ કલાક, ૫૯ મિનિટ અને ૫૯ સેકન્ડે ટનલમાં લગાવેલી વિડિયો ઇન્સિડન્ટ ડિટેક્શન સિસ્ટમ (VIDS) એ આગની ઓળખ કરી લીધી હતી. તેના તરત જ બાદ લીનિયર હીટ ડિટેક્શન સિસ્ટમ (LHDS) એ તાપમાન વધવાની પુષ્ટિ કરી દીધી. આ સિગ્નલ મળતા જ ટનલ કંટ્રોલ સેન્ટરે તાત્કાલિક 'ફાયર મોડ' ચાલુ કરી દીધો હતો. સાથે જ ઈમરજન્સી એનાઉન્સમેન્ટ અને વેરિયેબલ મેસેજ સાઈન દ્વારા ટનલની અંદર હાજર વાહનચાલકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આગની ઓળખ થતાં જ હાઈ પ્રેશર વોટર મિસ્ટ સિસ્ટમ (HPWMS) ઓટોમેટિક શરૂ થઈ ગઈ હતી. આ સિસ્ટમે થોડી જ મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો અને તેને બીજા ભાગોમાં ફેલાતી અટકાવી દીધી. આ દરમિયાન ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સવારે ૧૧ વાગ્યાને ૧૨ મિનિટ સુધીમાં આગને સંપૂર્ણપણે ઓલવી દેવામાં આવી હતી. એટલે કે માત્ર ૧૨ મિનિટની અંદર જ એક મોટી દુર્ઘટનાને રોકી લેવામાં આવી હતી.
હાઈટેક ટેકનોલોજીએ ટાળી મોટી આપત્તિ
અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં ટનલની તમામ મોર્ડન સેફ્ટી સિસ્ટમે સાથે મળીને શાનદાર કામ કર્યું છે. જેમાં વિડિયો ઇન્સિડન્ટ ડિટેક્શન સિસ્ટમ (VIDS), લીનિયર હીટ ડિટેક્શન સિસ્ટમ (LHDS), સ્કાડા (SCADA) કંટ્રોલ સિસ્ટમ, વેન્ટિલેશન સિસ્ટમ અને હાઈ પ્રેશર વોટર મિસ્ટ સિસ્ટમ (HPWMS) નો સમાવેશ થાય છે. આ ટેકનોલોજીની મદદથી આગની તરત ખબર પડી, લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, નુકસાન ઘણું ઓછું થયું અને ઈમરજન્સી ટીમે ઝડપી કાર્યવાહી કરી.
અધિકારીઓનું કહેવું છે કે આ ઘટના સાબિત કરે છે કે લાંબી શહેરી ટનલોમાં હાઈ પ્રેશર વોટર મિસ્ટ સિસ્ટમ જેવી આધુનિક ટેકનોલોજી મુસાફરોની સુરક્ષા વધારવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે.

