VIDEO : બિહારની નવી NDA સરકારનું શક્તિપ્રદર્શન, PM મોદી-અમિત શાહની ઉપસ્થિતિમાં 32 મંત્રીઓએ લીધા શપથ
પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત ભવ્ય સમારોહમાં બિહારની નવી એનડીએ (NDA) સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વવાળી આ ટીમમાં નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર સહિત કુલ 32 મંત્રીઓએ શપથ લીધા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
નિશાંત કુમારની રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી
આ વિસ્તરણમાં ભાજપ અને જેડીયુ (JDU) વચ્ચે સત્તાનું સંતુલન જાળવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ભાજપ અને જેડીયુ બંને પક્ષોમાંથી 16-16 મંત્રીઓ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગઠબંધનનો હિસ્સો ભાજપ, જેડીયુ ઉપરાંત એલજેપી (આર) અને હમ (HAM) ના ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. નવા ચહેરાઓમાં નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારે પણ મંત્રી તરીકે શપથ લઈને રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી કરી છે.
શપથ લેનારા મંત્રીઓની યાદી
ભાજપ (BJP) ના મંત્રીઓ:
રામ કૃપાલ યાદવ, કેદાર ગુપ્તા, નીતિશ મિશ્રા, મિથલેશ તિવારી, રમા નિષાદ, વિજય કુમાર સિન્હા, દિલીપ જયસ્વાલ, પ્રમોદ ચંદ્રવંશી, લખવિંદર પાસવાન, સંજય ટાઈગર, એન્જિનિયર કુમાર શૈલેન્દ્ર, નંદ કિશોર રામ, રામચંદ્ર પ્રસાદ અને અરુણ શંકર પ્રસાદ.
જેડીયુ (JDU) ના મંત્રીઓ
નિશાંત કુમાર, શ્રવણ કુમાર, મદન સાહની, લેસી સિંહ, શ્વેતા ગુપ્તા, ભગવાન સિંહ કુશવાહા, દામોદર રાવત, બુલો મંડલ, સુનીલ કુમાર, શીલા મંડલ, રત્નેશ સદા, જમા ખાન અને અશોક ચૌધરી.
LJP(RV): સંજય પાસવાન અને સંજય સિંહ.
HAM:સંતોષ સુમન.
RLM: દીપક પ્રકાશ.
જીતનરામ માંઝીનું નિવેદન
આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ જણાવ્યું હતું કે, બિહારમાં એનડીએના શાસનમાં હંમેશા સારું કામ થયું છે. તેમણે નીતિશ કુમારના રાજીનામાને તેમની 'ઉદારતા' ગણાવી હતી અને વડાપ્રધાન મોદીની હાજરીને બિહારના સૌભાગ્ય સમાન ગણાવી હતી.
રાજકીય સમીકરણો
આ મંત્રીમંડળમાં અનુભવી દિગ્ગજોની સાથે નવા યુવા ચહેરાઓને પણ સ્થાન આપીને પ્રાદેશિક અને જ્ઞાતિગત સમીકરણો સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને નિશાંત કુમારનો સમાવેશ બિહારના ભાવિ રાજકારણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

