કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓનું લિંચિંગ, ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓ માટે જાહેર કરી એડવાઈઝરી
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિક અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામ

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિક અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણના અહેવાલો છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર આ ઘટનામાં ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોત થયા છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને તેમના દેશના દૂતાવાસ તરફથી કોઈ મદદ મળી નથી. કિર્ગિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, 13 મેના રોજ કિર્ગીઝ વિદ્યાર્થીઓ અને ઇજિપ્તના તબીબી વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈનો વીડિયો ઇન્ટરનેટ પર શેર કરવામાં આવ્યા પછી, આ મુદ્દો વધી ચગ્યો, અને સ્થાનિક વિદ્યાર્થીઓએ વિદેશી વિદ્યાર્થીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું.
ભારતીય દૂતાવાસે તેના વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી પણ જારી કરી છે. કિર્ગિસ્તાનમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું, 'અમે અમારા વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ. હાલમાં પરિસ્થિતિ શાંત છે, પરંતુ વિદ્યાર્થીઓને તેમના ઘરની અંદર રહેવાની અને કોઈપણ સમસ્યાના કિસ્સામાં એમ્બેસીનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. અમારો 24×7 સંપર્ક નંબર 0555710041 છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટર પર લખ્યું, 'હું બિશ્કેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ પર નજર રાખી રહ્યો છું, કહેવામાં આવી રહ્યું છે કે હવે શાંતિ છે. વિદ્યાર્થીઓને એમ્બેસી સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.
પાકિસ્તાનના વડાપ્રધાન હુમલાની પુષ્ટિ કરી છે
કિર્ગીઝ મીડિયાના અહેવાલો અનુસાર, બિશ્કેકમાં તબીબી શૈક્ષણિક સંસ્થાઓની કેટલીક હોસ્ટેલ અને પાકિસ્તાન સહિત અન્ય દેશોના વિદ્યાર્થીઓના ખાનગી રહેઠાણો પર હુમલો કરવામાં આવ્યો છે. હોસ્ટેલમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ રહે છે. કિર્ગીઝ સ્ટુડન્ટ્સ દ્વારા પાકિસ્તાનના કેટલાંક સ્ટુડન્ટ્સને હેરાન કરવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે X પરની એક પોસ્ટમાં પોતાના દેશના વિદ્યાર્થીઓ પર હુમલાની પુષ્ટિ કરી છે.
તેમણે લખ્યું, 'કિર્ગિસ્તાનના બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાથી હું ચિંતિત છું. મેં પાકિસ્તાની રાજદૂતને જરૂરી મદદ અને સહાય પૂરી પાડવા સૂચના આપી છે. મારી ઓફિસ પણ દૂતાવાસના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. કિર્ગિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત હસન ઝૈગુમે શનિવારે સવારે ટ્વિટર પર લખ્યું, "બિશ્કેકમાં હોસ્ટેલ પર ટોળાની હિંસાને ધ્યાનમાં રાખીને, અમે તમામ પાકિસ્તાની વિદ્યાર્થીઓને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઘરની અંદર રહેવાની સલાહ આપીએ છીએ."
ઘણા પાકિસ્તાની વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજા થઈ હોવાના પણ અહેવાલ છે. કિર્ગીઝ રાજધાનીમાં વિદ્યાર્થી જૂથો વચ્ચે આ હિંસાનું કારણ શું છે તે હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીએ ટ્વિટર પર ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં રાત્રે ભીડને રસ્તા પર ચાલતા અને દોડતા જોઈ શકાય છે. પાકિસ્તાની વિદેશ વિભાગને ટેગ કરીને પીટીઆઈએ એક પોસ્ટમાં લખ્યું છે તમામ પાકિસ્તાની વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લો.








