યોગી કેબિનેટના 27 મોટા નિર્ણયો: જલાલાબાદનું નામ બદલાયું, મદરસા શિક્ષકોની ગ્રેચ્યુઈટીનો પ્રસ્તાવ સ્થગિત

ઉત્તર પ્રદેશ સરકારની કેબિનેટ બેઠકમાં સોમવારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શાહજહાંપુર જિલ્લાની જલાલાબાદ તહસીલ (તાલુકા)નું નામ બદલવાનો નિર્ણય કરાયો છે. કેબિનેટે જલાલાબાદ તહસીલનું નવું નામ 'ભગવાન પરશુરામ પુરી' કરવાને મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણય બાદ સંબંધિત વહીવટી પ્રક્રિયાઓ આગળ ધપાવવામાં આવશે.
જણાવી દઈએ કે યુપી કેબિનેટની બેઠક લખનૌમાં 5 કાલિદાસ માર્ગ સ્થિત મુખ્યમંત્રીના સરકારી નિવાસસ્થાને મળી હતી. જેમાં સરકારના બંને નાયબ મુખ્યમંત્રીઓ (ડેપ્યુટી સીએમ) સહિત તમામ મંત્રીઓ સામેલ થયા હતા. આ બેઠકમાં અનેક દરખાસ્તો પર મહોર મારવામાં આવી હતી.
લખનૌમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ પર સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે, તેમણે દેશની અખંડિતતા માટે 'એક દેશમાં બે સંવિધાન, બે પ્રધાન અને બે નિશાન' વિરુદ્ધ શંખનાદ કર્યો હતો અને 1953માં કાશ્મીરમાં બલિદાન આપ્યું હતું. નેહરુ સરકારની તુષ્ટિકરણની નીતિ અને કલમ 370 વિરુદ્ધના તેમના સપનાને પીએમ મોદીના નેતૃત્વમાં 2019માં કલમ 370 હટાવીને અને બંધારણ લાગુ કરીને પૂરું કરવામાં આવ્યું. યોગીએ એમ પણ કહ્યું કે, જે બંગાળને તેમણે બચાવ્યું હતું, આજે ત્યાં ભાજપની ડબલ એન્જિન સરકાર તેમના સ્થાનોના પુનરુદ્ધાર માટે અસરકારક કામ કરી રહી છે.
27 દરખાસ્તોને મંજૂરી
આઈટી એન્ડ ઈલેક્ટ્રોનિક્સ વિભાગના મંત્રી સુનિલ શર્માએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં રોકાણ માટે 'સ્ટાર્ટઅપ મિશન'ની સ્થાપના કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. યુપી સ્ટાર્ટઅપ નીતિ 2026 અને ડેટા સેન્ટર નીતિ 2026ને પણ મંજૂરી મળી છે.
બીજી તરફ, મંત્રી ધર્મપાલ સિંહના પશુધન અને દૂધ વિકાસ વિભાગમાં 'મુખ્યમંત્રી જોખમ પ્રબંધન અને પશુધન વીમા યોજના'ની દરખાસ્તને કેબિનેટની મંજૂરી મળી છે. નાના અને સીમાંત ખેડૂતો, પશુપાલકો, ડેરી ફાર્મ પશુપાલકો દ્વારા પાળવામાં આવતા પશુઓને સુરક્ષિત કરવા તેમજ કોઈ રોગચાળો કે પશુના અપંગ થવા અથવા મૃત્યુ થવાના સંજોગોમાં પશુઓનો વીમો લેવાના હેતુથી 'મુખ્યમંત્રી જોખમ પ્રબંધન અને પશુધન વીમા યોજના'ને મંજૂરી આપવામાં આવી છે, જે તમામ 75 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે.
યુપી કેબિનેટે કાનપુરના બિલહોરમાં મહર્ષિ યોગી ઈન્ટરનેશનલ કૃષિ વિશ્વવિદ્યાલય, ફતેહપુરમાં ઠાકુર યુગરાજ સિંહ વિશ્વવિદ્યાલય અને ગાઝિયાબાદમાં અજય કુમાર ગર્ગ વિશ્વવિદ્યાલયની સ્થાપનાને મંજૂરી આપી છે. આ ઉપરાંત, લોક સેવા આયોગના અધ્યક્ષો-સભ્યોના પેન્શનમાં વધારો કરવા, યુપી સ્ટાર્ટઅપ નીતિ અને શાહજહાંપુરના જલાલાબાદ કસબાનું નામ બદલવા સહિત અન્ય ઘણી મહત્વપૂર્ણ દરખાસ્તોને સ્વીકૃતિ આપવામાં આવી છે.
મદરેસા માટેની દરખાસ્ત કેન્સલ
ઉત્તર પ્રદેશની કેબિનેટ બેઠકમાં મદરસા માટેની દરખાસ્ત કેન્સલ (સ્થગિત) કરવામાં આવી છે. કેબિનેટે મદરેસા શિક્ષકોની ગ્રેજ્યુઈટી સંબંધિત દરખાસ્તને હાલ પૂરતી મોકૂફ રાખી છે. કેબિનેટે આ દરખાસ્તને મંજૂરી આપી નથી. હાલમાં કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી અને તેને સ્થગિત રાખવામાં આવી છે.

