VIDEO: ANDAR NI VAAT/ લખનઉમાં કેરી મહોત્સવમાં 800થી વધુ જાતોનું પ્રદર્શન, મોદી અને યોગીરાજ કેરી આકર્ષણનું કેન્દ્ર
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ગોમતી નગર સ્થિત ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે ત્રિ-દિવસીય ભવ્ય 'ઉત્તર પ્રદેશ કેરી મહોત્સવ ૨૦૨૬નો ધમાકેદાર પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉદ્ઘાટન કરાયેલા આ અનોખા મેળામાં ઉત્તર પ્રદેશ અને દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો અને બાગાયતદારો પોતાના ઉત્કૃષ્ટ ઉત્પાદનો સાથે સહભાગી થયા છે. આ મહોત્સવમાં દશેરી, લંગડો, ચૌસા અને આમ્રપાલી જેવી પરંપરાગત જાતો સહિત 800થી વધુ અનોખી અને દુર્લભ કેરીની જાતો પ્રદર્શિત કરવામાં આવી છે. મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ખેડૂતોને આધુનિક ટેકનોલોજી, ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ખેતી અને વૈશ્વિક બજારમાં નિકાસ વધારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી તેમની આવકમાં ધરખમ વધારો થઈ શકે.
આ પ્રદર્શનમાં મુલાકાતીઓ માટે સૌથી મોટું આકર્ષણ ખાસ તૈયાર કરવામાં આવેલી 'મોદી મેંગો' અને 'યોગીરાજ' કેરીની જાતો બની રહી છે, જેને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી રાખવામાં આવેલી ‘મોદી કેરી’ આશરે ૪૦૦ ગ્રામ વજન ધરાવતી એક કલમી જાત છે, જે તેના સંતુલિત સ્વાદ, આકર્ષક દેખાવ અને ભરપૂર ગર (પલ્પ) માટે ખૂબ જ પ્રશંસા પામી રહી છે. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સમર્પિત ‘યોગીરાજ કેરી’ સંપૂર્ણપણે રેસા વગરની (ફાઈબર-મુક્ત) છે, જે ખાવામાં અત્યંત મુલાયમ અને પચવામાં હળવી છે. આ બંને શાહી જાતો ઉપરાંત અડધા કિલોથી લઈને અઢી કિલો સુધીની ‘હાથી ઝૂલ’ તેમજ અન્ય આકર્ષક કેરીઓએ લોકોમાં ભારે કુતૂહલ જગાવ્યું છે. રાજ્ય સરકાર હવે ઈ-કોમર્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ખેતી દ્વારા ઉત્તર પ્રદેશની આ સ્વાદિષ્ટ કેરીઓને વૈશ્વિક બ્રાન્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે
બ્યુરો રિપોર્ટ જીએસટીવી

