ફરુખાબાદમાં કોચિંગ સેન્ટરમાં ભીષણ વિસ્ફોટમાં 2 વિદ્યાર્થીના મોત, 50 મીટર દૂર ઉછળી બાઈકો

ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં શનિવારે એક કોચિંગ સેન્ટરમાં વિસ્ફોટ થતાં બે યુવકોના મોત થયા છે. અને પાંચ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અહીંયા લાઈબ્રેરી પણ ચાલતી હતી. ઘાયલોને તાત્કાલિક ફરુખાબાદની લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો. મૃતદેહોના ટુકડા થઈ ગયા. કેટલાક વિદ્યાર્થીઓના શરીરમાંથી માંસના ટુકડા દૂર દૂર સુધી વિખેરાઈ ગયા હતા.
વિસ્ફોટથી કોચિંગ સેન્ટરના દરવાજા અને બેન્ચ તૂટી ગયા હતા. બહારના સ્લેબ અને કોંક્રિટની દિવાલો 50 મીટર દૂર ફેંકાઈ ગઈ હતી. બહારની લોખંડની ગ્રીલ 150 મીટર દૂર પાણીના ખાડામાં પડી ગઈ હતી. નજીકના અનેક ઘરોમાં કાચ તૂટી ગયા હતા. ઘટનાસ્થળેથી ગનપાઉડર જેવી ગંધ આવી રહી હતી.
કોચિંગ સેન્ટરમાં પાર્ક કરેલા વિદ્યાર્થીઓના બાઇક, સ્કૂટર અને સાયકલ લગભગ 50 મીટર દૂર ફેંકાઈ ગયા હતા. વિસ્ફોટની માહિતી મળતા ફતેહગઢ અને કાદરી ગેટ પોલીસ સ્ટેશનના બે ફાયર બ્રિગેડ વાહનો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ઘટનાના કારણની તપાસ કરી રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ આશુતોષ કુમાર દ્વિવેદી અને પોલીસ અધિક્ષક આરતી સિંહ ઘાયલોની સ્થિતિ જાણવા માટે લોહિયા હોસ્પિટલ પહોંચ્યા હતા. સિટી મેજિસ્ટ્રેટ સંજય કુમાર બંસલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફોરેન્સિક ટીમ અને બોમ્બ સ્ક્વોડ પહોંચી ગઈ છે.

