VIDEO: તુર્કીથી ડિપોર્ટ કરાયેલા ડ્રગ કિંગપિન નવપ્રીત સિંહના 10 દિવસના રિમાન્ડ મંજૂર! ભારતીય એજન્સીઓની મોટી સફળતા
આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરી નેટવર્ક વિરુદ્ધ ભારતીય તપાસ એજન્સીઓને મોટી સફળતા સાંપડી છે. તુર્કીમાંથી ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવેલા કુખ્યાત નાર્કો-ટ્રાફિકિંગ કિંગપિન નવપ્રીત સિંહને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે મામલાની ગંભીરતાને ધ્યાને રાખી દિલ્હી પોલીસને તેના 10 દિવસના કસ્ટોડિયલ રિમાન્ડ મંજૂર કર્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવપ્રીત સિંહ વિદેશમાં બેસીને ભારતમાં મોટા પાયે હેરોઈન અને મેથામ્ફેટામાઈન જેવા નશીલા પદાર્થોની દાણચોરીનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવતો હતો. તે તુર્કીમાં 'નવાબ વિર્ક' નામની નકલી ઓળખ બનાવીને રહેતો હતો અને ત્યાંનું નાગરિકત્વ પણ મેળવી લીધું હતું. ભારતીય સુરક્ષા એજન્સીઓએ સુનિયોજિત ઓપરેશન હાથ ધરી તેની અસલી ઓળખ છતી કરી હતી અને તુર્કી સરકારના સહયોગથી તેને સફળતાપૂર્વક ભારત ડિપોર્ટ કરાવ્યો હતો.
તેની સામે દિલ્હી અને પંજાબ સહિત દેશના વિવિધ રાજ્યોમાં નાર્કોટિક્સ અને સંગઠિત ગુનાખોરી સંબંધિત અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હવે 10 દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન દિલ્હી પોલીસ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના અન્ય સાગરીતો, ફંડિંગ અને ભારતમાં સપ્લાય ચેઈન સાથે જોડાયેલા સ્થાનિક નેટવર્ક અંગે તેની આકરી પૂછપરછ કરશે.

