આ દિગ્ગજ અભિનેતા સાથે લગ્ન કરવા તુર્કીથી ભારત આવી હતી 2 ફેન, પરિણીત હોવા છતાં પહેરાવવી પડી હતી વીંટી

એક્ટર મિથુન ચક્રવર્તી રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 16' માં જોવા મળ્યા હતા. અહીં તેમના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્ટ આદિત્ય નારાયણે તુર્કીની એક ફેનનો કિસ્સો સંભળાવ્યો, જે તેમની સાથે લગ્ન કરવા માટે ભારત આવી હતી.
મિથુન ચક્રવર્તીના 75 વર્ષની શાનદાર ઉજવણી
ટીવીનો પોપ્યુલર સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ સીઝન 16' ફરી એકવાર ચર્ચામાં છે. આ શોમાં મહેમાન બનીને આવેલા મિથુન ચક્રવર્તીએ સેટનો માહોલ જ બદલી નાખ્યો હતો. તેમણે ત્યાં ખૂબ મસ્તી કરી હતી. શોમાં તેમના 75 વર્ષ પૂરા થવાની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન તેમના બંને પુત્રો પણ આવ્યા હતા, જેમણે કેટલીક જૂની યાદો તાજી કરી હતી, જે સાંભળીને અભિનેતા ભાવુક થઈ ગયા હતા. આ સિવાય હોસ્ટ આદિત્યએ તુર્કીની એ ફેનનો કિસ્સો પણ સંભળાવ્યો જેણે મિથુનને પ્રપોઝ કર્યું હતું.
આદિત્ય નારાયણે મિથુન ચક્રવર્તી વિશે એક મજેદાર કિસ્સો સંભળાવતા પૂછ્યું, "શું તમને ખબર છે કે મિથુનજીનું ફેવરિટ ગીત કયું છે?" જજો વિચારવા લાગ્યા ત્યારે હોસ્ટે કહ્યું, "તુર્કી... તુર્કી... અને તુર્કી." આ વિચિત્ર ગીત સાંભળીને કોઈને કંઈ સમજાયું નહીં. આદિત્યએ આગળ કહ્યું, "તુર્કીથી બે છોકરીઓ મિથુન દાના પ્રેમમાં પાગલ થઈને ભારત આવી હતી અને તેઓ જાણતી હતી કે તે પરિણીત છે, છતાં પણ તેઓ તેમની સાથે લગ્ન કરવા માંગતી હતી."
મિથુન ચક્રવર્તી સાથે લગ્ન કરવા માંગતી હતી તુર્કીની ફેન
હોસ્ટે ખુલાસો કર્યો કે એક્ટરે તુર્કીની છોકરીને વીંટી પહેરાવીને લગ્ન પણ કર્યા હતા. ત્યારબાદ મિથુને જણાવ્યું, "તે સમયે મારુ કરિયર પીક પર હતું અને હું પરિણીત પણ હતો. ત્યારે તુર્કીથી બે છોકરીઓ મને મળવા આવી હતી. પહેલા તેઓ મને મળીને જતી રહી, પણ થોડા વર્ષો પછી ફરીથી મળવા આવી પહોંચી. તેમાંથી એક છોકરી લગ્ન કરવા માંગતી હતી. મેં મારી પત્નીને પૂછ્યું તો તે પહેલા નારાજ થઈ, પણ પછી મારી વાત સમજી ગઈ."
પરિણીત હોવા છતાં ફેનને પહેરાવી વીંટી
એક્ટરે આગળ જણાવ્યું, "તેમનાથી છુટકારો મેળવવા માટે મેં તે છોકરીને વીંટી પહેરાવી દીધી અને કહ્યું કે અહીં આવી રીતે જ લગ્ન થાય છે. મેં તેમને કહ્યું કે તેઓ હવે પાછા તુર્કી જાય અને રાહ જુએ. હું અહીંથી બધું કામ પતાવીને તેમની પાસે આવું છું." આ કિસ્સો સાંભળીને બધા હસવા લાગ્યા. મિથુને જણાવ્યું કે હવે એ તુર્કી ફેનના લગ્ન થઈ ગયા છે અને જ્યારે વાત થાય છે, ત્યારે તે આ પાગલપનને યાદ કરીને ખૂબ હસે છે.

