થરાદ સીમમાં દરોડા: ₹64.42 લાખના ગેરકાયદે ફટાકડા જપ્ત, ગામ વચ્ચે મોતનો સામાન છુપાવનાર ઝડપાયો!

દિવાળી પહેલા વાવ-થરાદ જિલ્લાના થરાદના દુધવા ગામેથી રૂ. 64.42 લાખથી વધુનો ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપાયો છે. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે SOG પોલીસે દુધવા ગામની સીમમાં દરોડા પાડીને રૂ. 64.42 લાખથી વધુની કિંમતનો ફટાકડાનો ગેરકાયદે જથ્થો જપ્ત કર્યો છે.
ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં વેચાણ હેતુઠ જથ્થો જમા કર્યો હતો
પોલીસને મળેલી ખાનગી બાતમી મુજબ, દુધવા ગામના રહીશ ઇશ્વર જેથાભાઇ પટેલે પોતાના કબજા ભોગવટાના ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં ગેરકાયદે રીતે ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હતો. બાતમીના આધારે SOG પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા, ઇશ્વરભાઇ પટેલે કોઇપણ પ્રકારનું લાયસન્સ, પરવાનો કે જવાબદાર અધિકારીનું પ્રમાણપત્ર મેળવ્યા વિના ફટાકડાનો વેચાણ અર્થે સંગ્રહ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
ફાયર સેફ્ટીના કોઇપણ સાધનો ન હતા
તપાસ દરમિયાન મકાનમાં માનવ જિંદગી જોખમાય તે રીતે અને ફાયર સેફ્ટીના કોઇપણ સાધનો રાખ્યા વિના બેદરકારીપૂર્વક સળગી ઉઠે તેવા સ્ફોટક પદાર્થો સંગ્રહિત કરાયેલા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી અલગ-અલગ 112 બ્રાન્ડના કુલ રૂ. 64,42,821ની કિંમતનો ફટાકડાનો જથ્થો મુદ્દામાલ તરીકે સીઝ કરી જપ્ત કર્યો છે.
આ કામગીરી બાદ થરાદ પોલીસ સ્ટેશનમાં આરોપી ઇશ્વરભાઇ જેથાભાઇ પટેલ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 287, 288 તથા એક્સપ્લોઝિવ એક્ટ 1884ની કલમ 9(B) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ કેસની આગળની વધુ તપાસ થરાદ પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે.

