વાવ-થરાદના કોમેડિયનનું માર્ગ અકસ્માતમાં મોત, ઇન્સ્ટાગ્રામ પર યુવકના 1.8 મિલિયન ફોલોઅર્સ

વાવ-થરાદ વિસ્તારમાં માર્ગ અકસ્માતની કરુણ ઘટના સામે આવી છે. સુઈગામના ચંદન રાઠોડનું બાઈક અકસ્માતમાં મોત નીપજ્યું છે. સોશિયલ મીડિયા પર ‘ગુજુ લવ ગુરુ’ નામથી જાણીતા ચંદન રાઠોડ કોમેડિયન તરીકે લોકપ્રિય હતા અને ઇન્સ્ટાગ્રામ પર તેમના 1.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
સારવાર મળે તે પહેલાં જ મોત
મળતી માહિતી મુજબ, ભાભર-સુઈગામ રોડ પર હરિધામ ગૌશાળા નજીક ચંદન રાઠોડનું બાઈક અકસ્માતગ્રસ્ત થયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ચંદનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભાભર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં ભાભર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. લોકપ્રિય કોમેડિયન યુવકના અચાનક મોતના સમાચારથી તેમના પરિવારજનો અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી છે.

