Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Cyclonic circulation and Western Disturbance create disaster: Umargam sets highest daily rainfall record in country in 22 years

સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જી હોનારત: 22 વર્ષમાં દેશમાં સર્વાધિક દૈનિક વરસાદનો રેકોર્ડ ઉમરગામે સર્જ્યો

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જી હોનારત: 22 વર્ષમાં દેશમાં સર્વાધિક દૈનિક વરસાદનો રેકોર્ડ ઉમરગામે સર્જ્યો
સોર્સ : gstv

રાજકોટ: ગુજરાતના વલસાડ જિલ્લામાં દરિયાકાંઠા નજીક આવેલા અને બીચ માટે જાણીતા ઉમરગામની વસ્તી તો એક લાખથી ઓછી છે પરંતુ, તેના આગવી ભૌગોલિક સ્થિતિના કારણે ત્યાં મોસમનો ૫૦-૬૦ ઈંચ વરસાદ સામાન્ય ગણાય છે. પરંતુ, ગઈકાલ અને આજે આ નાનકડા ગામે દેશના મોસમ વિજ્ઞાાનીઓનું ધ્યાન ખેંચ્યું છે, આજે સવારે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં ૩૬ ઈંચ (૯૦૬ મિ.મિ.) વરસાદ સાથે સમગ્ર ભારત દેશમાં ગત ૨૨ વર્ષમાં ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ સર્જાયો છે.આ પહેલા તા.૧૬ જૂન ૧૯૯૫માં સોહરામાં ૧૫૬૩ મિ.મિ. (૬૨.૫૦ ઈંચ) અને તા.૬ મે ૨૦૦૪માં અમિનીદિવિમાં ૧૧૬૮ મિ.મિ. (૪૬.૫૦ ઈંચ) પછી હવે ઉમરગામ ત્રીજા ક્રમે છે.

App Store

ઉમરગામમાં ગત ૨૪ કલાકમાં ૩૬ ઈંચ ઉપરાંત આજે સવારે ૬થી રાત્રિના ૮ સુધીમાં વધુ ૧૪.૫૦ ઈંચ સહિત ૩૮ કલાકમાં ૫૧ ઈંચ અધધ વરસાદ નોંધાયો છે. તેમાં પણ આજે સવારે વાદળ ફાટતા માત્ર બે કલાકમાં ૭.૫૦ ઈંચ વરસાદ તુટી પડયો હતો.જ્યારે કપરાડામાં ૩૨ ઈંચ સાથે સમગ્ર વલસાડ જિલ્લામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રહેવાસીઓ માટે કલ્પનાતીત વરસાદ પડયો છે.

અસામાન્ય અતિ વરસાદના કારણો શુ? મોસમ વિભાગે જણાવ્યા મૂજબ વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત ભારે વરસાદ વરસવા માટે મુખ્યત્વે ત્રણ સીસ્ટમ કારણભૂત છે જેમાં (૧) મધ્યપ્રદેશના આકાશમાં નીચલા અને મધ્યમ ક્ષોભમંડળમાં હવાનું વિશાળ સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ તરફ ખસી રહ્યું છે (૨) મોનસૂન ટ્રફ જે ભારે વરસાદ લાવે છે તે બિકાનેરથી ગુના,પેન્ડ્રા રોડ થઈ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ પસાર થાય છે અને (૩) આશ્ચર્યજનક રીતે હાલ જમ્મુ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) દેશની ચોમાસુ સીસ્ટમ સાથે ઈન્ટરેક્ટ કરે છે.

આ ઉપરાંત અરબી સમુદ્રના કાંઠે આવેલ ઉમરગામ સહિત વલસાડ જિલ્લા સાથે ભારે વરસાદની સીસ્ટમ પહેલા ટકરાય છે. સહ્યાદ્રી પર્વતમાળાની આગવી ભૌગોલિક સ્થિતિ ધરાવતા વલસાડ ઉપરાંત નવસારી, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ સામાન્ય છે. મોન્સૂન વોર્ટેક્સ એટલે કે હવાની ચક્રાકાર ગતિ જેવી સ્થાનિક સીસ્ટમથી વાદળા ફાટયા હોય તેવો વરસાદ અહીં સામાન્ય છે.ઉલ્લેખનીય છે કે ઉમરગામ એ ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે આવેલું છે અને કેરલમાં બેસતું ચોમાસુ પણ સૌપ્રથમ અહીંથી ગુજરાતમાં પ્રવેશી છેલ્લે કચ્છમાં પહોંચે છે.