VIDEO: Vadodara / મકરપુરામાં જાહેરમાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો, ઘટનાનો વીડિયો થયો વાયરલ
વડોદરામાં જાણે ગુનેગારોને પોલીસનો ખોફ ન રહ્યો હોય તેમ મારામારીની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ જાહેરમાં સામસામે મારામારી કરી એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મકરપુરા GIDCમાં કોઈ જૂની અદાવત કે સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. કેટલાક ઇસમોએ ભેગા મળીને એક યુવકને નિશાન બનાવ્યો હતો. હુમલાખોરોએ આતંક મચાવતા જાહેરમાં જ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે ઘા ઝીંક્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઘટનાની જાણ થતા જ માંજલપુર પોલીસ સ્ટેશનનો કાફલો હરકતમાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી (SSG) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. માંજલપુર પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.

