VIDEO: વડોદરાની નર્મદા ભવનની 45 કચેરીઓ ખાલી કરવાના આદેશ બાદ તંત્ર દ્વારા કયા ખસેડવી તેને લઈ મૂંઝવણ
Vadodara news: વડોદરા નર્મદા ભવનમાં રેટ્રોફિટિંગના કામ માટે 45 કચેરીઓ ખાલી કરાવાશે, ઈમારતો જર્જરિત થઈ જાતા માર્ગ અને મકાન વિભાગ એક્શનમાં આવ્યું છે. તંત્ર દ્વારા માત્ર 20 દિવસમાં તમામ કચેરીઓ ખાલી કરવાના આદેશ બાદ વૈકલ્પિક વ્યવસ્થા શોધવા કચેરીના વડાઓના ધમપછાડા કરી રહ્યા છે જોકે આ ઈમારતો જોખમી હોવા છતાં પણ અહીં રોજિંદી કામગીરી ચાલી રહી છે.
વડોદરા શહેરમાં સૌથી વધુ સરકારી કચેરીઓ ધરાવતી બહુમાળી બિલ્ડિંગ નર્મદા ભવનને ખાલી કરવાના આદેશો છૂટતાં જ આ બિલ્ડિંગની ઓફિસોના વડાઓ દ્વારા નવી જગ્યાઓ શોધવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આઠ માળની બિલ્ડિંગ નર્મદા ભવનના સી બ્લોકમાં કુલ 45 સરકારી કચેરીઓ આવેલી છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જનસેવા કેન્દ્રથી માંડી આઠમા માળે સીઆઈડી ક્રાઇમની ઓફિસ તેમજ અન્ય ફ્લોર પર અલગ અલગ ઓફિસો કાર્યરત છે. નર્મદા ભવનને ખાલી કરવાની નોટિસો જિલ્લા કલેક્ટરના આદેશથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા અપાતા નર્મદા ભવનની કચેરીઓ હવે ક્યાં ખસેડવી તેવા પ્રશ્નો સર્જાયા છે.
અહીં રોજ હજારો લોકોની અવર-જવર ધરાવતી અનેક સરકારી કચેરીઓ કાર્યરત છે તે નર્મદા ભવનમાં આમ તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામ શરૃ કરી દેવામાં આવ્યું છે અને હવે મહત્વની કામગીરી હાથ ધરાશે એટલે 45 કચેરીઓને નોટિસો પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે. નર્મદા ભવનનું હાલ રિપેરિંગ કરવામાં આવનાર છે અને તે કામ પાયાથી હાથ ધરાનાર હોવાનું જાણવા મળ્યું છે.
ભૂકંપ કે ધરતીકંપ જેવી કુદરતી હોનારતમાં બિલ્ડિંગ ટકી રહે તે માટેની સૌપ્રથમ કામગીરી હાથ ધરાઇ રહી છે. બિલ્ડિંગ સેફ કરવા માટે રેટ્રોફિટિંગનું કામ રૂા.7 કરોડના ખર્ચે હાથ ધરાશે. આ કામગીરી એક સપ્તાહમાં શરૂ થઇ જાય તેવી ગણતરી રાખવામાં આવી છે. આ કામ દરમિયાન કોલમ તેમજ બીમ તોડવામાં આવશે જેથી સાવચેતીના ભાગરૂપે તમામ સરકારી કચેરીઓ ખાલી કરવા જણાવાયું છે. રેટ્રોફિટિંગની સાથે બિલ્ડિંગમાં જ્યાં પણ રિપેરિંગ કરવાની જરૂર જણાશે ત્યાં તે કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
નર્મદા ભવનમાં આવેલી મહત્વની કચેરીઓના નામો
- જનસેવા કેન્દ્ર
- જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
- ઝોનલ ઓફિસો
- મામલતદાર ઓફિસ
- નશાબંધી ઓફિસ
- સ્ટેમ્પ ડયૂટી નાયબ કલેક્ટરો
- એસીબી
- સીઆઇડી
- લેબર
- સિંચાઇ વિભાગ
- આઈબી
નર્મદા ભવનમાં આવેલી કચેરીઓ શિફ્ટ કરવાની નોટિસો બાદ નવી જગ્યા શોધવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલીક કચેરીઓ એવી છે કે જે તેની પેરેન્ટ કચેરીઓમાં ખસેડી શકાય જેમ કે મામલતદાર ઓફિસ કોઠી કચેરી, સિંચાઇ વિભાગની ઓફિસ ગેરી ખાતે, પોલીસને લગતી પોલીસ ભવનમાં શિફ્ટ કરી શકાય તેમ છે જ્યારે અન્ય કચેરીઓ જ્યાં લોકસંપર્ક ઓછો હોય તેવી કચેરી માટે ગુજરાત હાઉસિંગ બોર્ડની માંજલપુરમાં તુલસીધામ જીઆઇડીસી રોડ પર આવેલ 281 ક્વાર્ટર ખાલી છે ત્યાં શિફ્ટ કરી શકાય તેમ છે. નવી બિલ્ડિંગ બનાવવા માટે પ્લાન અને એસ્ટિમેટનું કામ શરૃ કરાયું છે, નર્મદા ભવનમાં રેટ્રોફિટિંગ સહિતનું રિપેરિંગ કરવા માટે છથી આઠ મહિનાનો સમય થશે. આ સમય બાદ જે તે કચેરી પાછી પોતાની મૂળ જગ્યાએ પરત ફરી શકે છે. બીજી બાજુ નર્મદા ભવનને તોડી તે જગ્યા પર બીજી બહુમાળી બિલ્ડિંગ બનાવવાની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ કામ માટે બેથી ત્રણ વર્ષ જેટલો સમય થાય તેમ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નર્મદા ભવનના સ્થાને નવી બિલ્ડિંગ બનાવવા માટેનો પ્લાન તેમજ એસ્ટિમેટ બનાવવાનું શરૃ કરી દેવામાં આવ્યું છે. અને તેનો રિપોર્ટ ટૂંક સમયમાં સરકારમાં પણ રજૂ કરાશે.

