Video/ અકોટાની તાજ હોટલ પાસે મોટો ભુવો પડ્યો, Vadodara મનપાની પોલ ખુલી
વડોદરા શહેરમાં ચોમાસા સિવાયના સમયમાં પણ રસ્તાઓ પર ભુવા (ખાડા) પડવાની ઘટનાઓ યથાવત રહી છે, જેના કારણે મહાનગરપાલિકા (VMC) ની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના અકોટા વિસ્તારમાં વધુ એક મોટો ભુવો પડવાની ઘટના સામે આવી છે.
તાજ હોટલ પાસે મોટો ભુવો, માર્ગ બંધ
પ્રાપ્ત માહિતી અનુસાર, અકોટા વિસ્તારમાં તાજ હોટલ પાસે મુખ્ય માર્ગ પર એક મોટો ભુવો પડ્યો હતો. ભુવો પડતાની સાથે જ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકા તંત્રએ તાત્કાલિક સ્થળ પર બેરીકેટિંગ કરી દીધું હતું. સલામતીના ભાગરૂપે, ભુવાને કારણે અકોટાથી મુજમહુડા તરફ જતો માર્ગ નો એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક અગ્રણીએ પાલિકા પર કર્યા ગંભીર આક્ષેપો
શહેરમાં વારંવાર ભુવા પડવાની ઘટનાઓને પગલે સ્થાનિક અગ્રણીઓ અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક અગ્રણી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે મહાનગરપાલિકાની હલકી ગુણવત્તાવાળી કામગીરી અને રોડ બનાવવામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

