Vadodra news: છાણીમાં અપહ્યત યુવકને કેનાલમાં ફેંકી દેવાનો મામલો, પોલીસે 5 અપહરણકર્તાઓને ઝડપાયા

છાણીમાં પંદર દિવસ પહેલાં યુવકનું અપહરણ કરી સોજીત્રા પાસે કેનાલમાં ફેંકી દેતાં ચમત્કારિક બચાવ થયો હોવાના ચકચારી બનાવમાં પાંચ અપહરણકારોની ધરપકડ બાદ હવે અપહ્યત યુવકની પત્નીની સંડોવણી ખૂલતાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે. છાણીમાં પાનનો ગલ્લો ધરાવતો ગિરીશ ગઇ તા.૮મી એપ્રિલે રાત્રે ઘેર જતો હતો ત્યારે છાણી-સોખડા રોડપર કારમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ દેણા,દુમાડ જેવા સ્થળોએ ફેરવી સોજીત્રાની કેનાલમાં તેને ફેંકી દીધો હતો.સારાનસીબે ગિરીશના હાથમાં પીલર આવી જતાં ત્રણ કલાક પાણીમાં રહ્યો હતો અને સવાારે બહાર નીકળી જીવ બચાવ્યોહતો.
પ્રેમી સાથે મળીને પત્નીએ જ રચ્યું કાવતરું
આ બનાવમાં છાણીના પીઆઇ આર એલ પ્રજાપતિએ પાંચેય અપહરણકારોને ઝડપી પાડતાં તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.સમગ્ર બનાવમાં પ્રેમપ્રકરણ હોવાનું બહાર આવતાં અપહ્યત ગિરીશની પત્ની ફાલ્ગુનીની પણ ધરપકડ કરવામાં આવી છે.ગિરીશની હત્યા માટે સોપારી આપનાર વસોના કૌશિક શર્મા અને છાણીમાં રહેતી તેની પ્રેમિકા અવારનવાર મળતા હતા.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,કૌશિકે તેના રસ્તામાં નડતર બનેલા ગિરીશને મોતને ઘાટ ઉતારવા માટે યોજના બનાવી હતી.જેની જાણ ગિરીશની પત્નીને પણ હતી.
ગિરીશનું અપહરણ કરી કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો ત્યારે તે દિવસે પણ સૂત્રધાર કૌશિક અને તેની પ્રેમિકા છાણીમાં મળ્યા હતા.આ ઉપરાંત બંને વચ્ચે બે દિવસમાં ૧૦૦ જેટલા કોલ્સ પણ થયા હતા.આ ઉપરાંત છ મહિના પહેલાં ગિરીશ અને કૌશિક વચ્ચે આ બાબતે ઝઘડો પણ થયો હોવાની માહિતી બહાર આવી છે.છાણીના ગિરીશનું અપહરણ કરવામાં આવ્યું ત્યારે કારમાં બેઠેલા એક અપરહણકારે તેને ધમકાવી કહ્યું હતું કે,કૌશિક તારી પત્ની સાથે વાત કરે તેમાં તને શું વાંધો છે ? જેથી આ પ્રકરણમાં કૌશિક જ મુખ્ય સૂત્રધાર હોવાનું ખૂલ્યું હતું.
અપહરણ કરાયેલા ગિરીશની પાછળ સ્કૂટર ચલાવતો તેમજ અપહરણ કર્યા પછી કારની આસપાસ સ્કૂટર ચલાવી રહેલો એક યુવક પોલીસ માટે શંકાના દાયરામાં આવ્યો હતો.૨૫૦ કલાકના સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ સર્વેલન્સ બાદ અપહ્યત ગિરીશનો પીછો કરતા એક યુવક પર પોલીસની નજર ઠરી હતી.આ યુવક અપહરણ થયા પછી પણ કારની પાછળ જતો હતો અને સતત મોબાઇલ પર વાત કરતો હતો.જેથી પોલીસે ગિરીશની રેકી કરી નિકુલ ગોસ્વામીને રજેરજની માહિતી આપનાર રૃદ્ર રાજેશભાઇ રાવળ(શિવમ સોસાયટી,લાલબાગ બ્રિજ પાસે મૂળ રહે.સત્યનારાયણ સોસાયટી,નવા બજાર, કરજણ)ની ધરપકડ કરી છે.

