VIDEO: વડોદરા / યુવકે પોતાની છાતી પર દેશી તમંચાથી ફાયરિંગ કર્યું, રોડ ઉપર તરફડતો હતો ને પોલીસ જોઈ ગઈ, પછી...
Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામની કેનાલ નજીક ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં પારિવારિક કંકાસથી કંટાળીને 25 વર્ષીય યુવકે દેશી તમંચા વડે પોતાની જ છાતીમાં ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાવલી પોલીસની નાઈટ પેટ્રોલિંગ ટીમને આ યુવક ગંભીર હાલતમાં મળી આવતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસને ઘટનામાં વપરાયેલું હથિયાર પણ કેનાલમાંથી મળી આવ્યું છે.
પત્ની સાથેના ઝઘડા બાદ ભર્યું આત્મઘાતી પગલું!
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને છેલ્લા ઘણાં સમયથી સાવલીમાં સ્થાયી થયેલા રંગીલાલ ચૌધરીનો 25 વર્ષીય પુત્ર રણજીત ચૌધરી અને તેની પત્ની ત્રણ મહિના પહેલા જ રોજગારી માટે આવ્યા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે કોઈ કારણસર ભારે ગૃહકલેશ ચાલતો હતો. આ જ કંકાસથી કંટાળીને આવેશમાં આવેલા રણજીતે લામડાપુરા કેનાલ પાસે જઈ દેશી તમંચા વડે પોતાની છાતી પર ફાયરિંગ કરી દીધું હતું.
ફાયરિંગ કર્યા બાદ યુવકે પુરાવાનો નાશ કરવા અથવા અન્ય કોઈ કારણસર દેશી તમંચો કેનાલના વહેતા પાણીમાં ફેંકી દીધો હતો. આ દરમિયાન સાવલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે લામડાપુરા કેનાલ પાસે રોડ પર એક યુવક લોહીલુહાણ હાલતમાં તરફડતો જોવા મળ્યો હતો.
તેની છાતીના ભાગે ગોળી વાગવાથી ગંભીર ઈજા થઈ હતી. પોલીસે તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. યુવક પાસેથી મળી આવેલા મોબાઈલ નંબરના આધારે પોલીસે તેના પિતાનો સંપર્ક કરીને ઘટનાની જાણ કરી હતી. હાલ સાવલી પોલીસે કેનાલમાં ફેંકેલું હથિયાર શોધી કબજે કરીને તપાસ હાથ ધરી રહી છે.

