VIDEO: વડોદરા: MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ABVP અને NSUI વચ્ચે જૂથ અથડામણ, નજીવી બાબતમાં થઈ છૂટાહાથની મારામારી
વડોદરાની મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટી કેમ્પસ ફરી એકવાર વિદ્યાર્થી સંગઠનોની લડાઈના કારણે અશાંત બન્યું છે. આજે યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) ના કાર્યકરો વચ્ચે ઉગ્ર દલીલો બાદ છૂટાહાથની મારામારી થતાં સમગ્ર કેમ્પસમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી.
નજીવી બાબતમાં જૂની અદાવત સપાટી પર આવી
વિદ્યાર્થી આલમમાં ચાલતી ચર્ચા મુજબ, સાયન્સ ફેકલ્ટીમાં NSUI અને ABVP ના બે જૂથો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આંતરિક અદાવત ચાલી રહી છે. આજે ફેકલ્ટી કેમ્પસમાં એકબીજાની સામે જોવાની એક તદ્દન નજીવી બાબતમાં બંને જૂથના નેતાઓ અને કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. શરૂઆતમાં બંને પક્ષે સામાન્ય બોલાચાલી થઈ હતી, પરંતુ જોતજોતામાં મામલો બિચક્યો હતો અને બંને જૂથો વચ્ચે ઉગ્ર મારામારી શરૂ થઈ ગઈ હતી.
અન્ય વિદ્યાર્થીઓએ મામલો થાળે પાડ્યો, સિક્યુરિટી ગાયબ!
કેમ્પસની મધ્યમાં જ શરૂ થયેલી આ લડાઈને પગલે સામાન્ય વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો અને દોડધામ મચી ગઈ હતી. અંતે ત્યાં હાજર અન્ય સામાન્ય વિદ્યાર્થીઓએ વચ્ચે પડીને બંને જૂથના કાર્યકરોને માંડ-માંડ છૂટા પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટના દરમિયાન દર વખતની જેમ યુનિવર્સિટીનું સિક્યુરિટી તંત્ર ઘટનાસ્થળેથી તદ્દન ગાયબ રહ્યું હોવાની રોષભરી ચર્ચા વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે. કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે.

