વડોદરા-સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો

વડોદરા અમને સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે મ્યુનિ.કમિશનર- મેયરના ઈમેલ પર ધમકી મળી હોવાની પ્રાથમિક માહિતી આવી છે. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો.
ગુજરાતના વિવિધ મહાનગરોની પાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાયાની માહિતી સામે આવી છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં ટેન્શનનો માહોલ સર્જાયો હતો. જામનગર, વડોદરા અને પછી સુરત મહાનગરપાલિકા (SMC)ની મુખ્ય કચેરીને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. ધમકીભર્યા આ સંદેશાને પગલે પાલિકા કચેરી ખાતે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ધમકી મળતા જ કચેરીમાં સર્ચ ઓપરેશન શરૂ
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો, સ્થાનિક બોમ્બ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક કચેરી ખાતે દોડી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા પાલિકાના તમામ વિભાગો, પાર્કિંગ એરિયા અને આસપાસના પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

