વડોદરામાં હવામાનનો મિજાજ બદલાયો, બપોરે અચાનક ખાબકેલા વરસાદમાં વાહનચાલકો ફસાયા

વડોદરા શહેરમાં હવામાનમાં અચાનક મોટો પલટો આવતા બપોરના સમયે ધોધમાર વરસાદ પડ્યો છે. ગઈકાલના વરસાદ બાદ આજે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા, બપોરના સમયે અચાનક શરૂ થયેલા વરસાદને પગલે લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે. જોકે, આ અણધાર્યા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ત્રાહિમામ ગરમી સામે લોકોને રાહતનો અનુભવ પણ થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં પણ વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં આવો જ વરસાદી માહોલ યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતા છે.
વાવણીલાયક વરસાદની આશાથી ખેડૂતોમાં ઉત્સાહ
પ્રિમોન્સૂન એક્ટિવિટીનો પહેલો વરસાદ શરૂ થતાં જ જગતનો તાત હરખાયો છે. ચોમાસાની સિઝન પહેલા વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોને વાવણીની આશા જાગી છે. જ્યારે શહેરમાં બપોરે અચાનક વરસાદ તૂટી પડતા ઓફિસ કે કામકાજ અર્થે બહાર નીકળેલા લોકો અને ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રેઇનકોટ કે છત્રી વિના બહાર નીકળેલા અનેક વાહનચાલકોએ બસ સ્ટેન્ડ, દુકાનોના શેડ કે ઓવરબ્રિજ નીચે આશરો લેવો પડ્યો હતો.
મુખ્ય માર્ગો પર ટ્રાફિક ધીમો પડ્યો
શહેરના વિવિધ વિસ્તારોમાં બપોરે શરૂ થયેલા વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી થતાં અને રસ્તાઓ પર પાણી ભરાવાને લીધે વાહનોની ગતિ ધીમી પડી હતી. મુખ્ય માર્ગો પર સાવચેતીના ભાગરૂપે વાહનચાલકોએ વાહનો ધીમા ચલાવવાની ફરજ પડી હતી, જેના લીધે કેટલાક ચાર રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અચાનક આવેલા આ વરસાદથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે અને વાતાવરણ ખૂબ જ આહલાદક બની ગયું છે.

