VIDEO: Vadodara / બહારના વ્યક્તિને ટિકિટ આપે તો વિરોધ કરવાનો; માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન
વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે આગામી ચૂંટણીઓ પહેલા ટિકિટ ફાળવણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને સંબોધતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો પક્ષ કોઈ 'બહારની વ્યક્તિ'ને ટિકિટ આપે તો તેની સામે લડવું જોઈએ અને વિરોધ કરવો જોઈએ.
યોગેશ પટેલે કાર્યકરોનો પક્ષ ખેંચતા જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં આપણે પરસેવો પાડ્યો હોય અને કામ કર્યું હોય, ત્યાં ટિકિટ મેળવવાનો પ્રથમ અધિકાર તે વિસ્તારના સક્રિય કાર્યકરોનો જ હોવો જોઈએ. તેમણે ઉમેર્યું કે બહારથી આવીને ટિકિટ લઈ જનારાઓ સામે કાર્યકરોએ પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ.
પોતાના સંબોધનમાં તેમણે વધુ એક મહત્વની વાત કરી હતી. તેમણે કાર્યકરોને ટકોર કરતા કહ્યું કે, "જો કોઈ કાર્યકરને ટિકિટ ન મળે તો મારી સાથે અબોલા ન રાખતા." તેમણે સ્પષ્ટ કર્યું કે ટિકિટ ફાળવણી એ પક્ષનો નિર્ણય હોય છે. ટિકિટ ભલે કોઈને પણ મળે, પરંતુ અંતે તો પક્ષને જીતાડવા માટે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. એક તરફ વિરોધની વાત કર્યા બાદ યોગેશ પટેલે પક્ષની શિસ્તનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ધારાસભ્ય તરીકે તેઓ પક્ષના સત્તાવાર ઉમેદવારને જીતાડવા માટે પૂરી તાકાત લગાવી દેશે.

