VIDEO: Vadodara ભાજપમાં મોટો ભડકો; 100થી વધુ કાર્યકરોએ કેસરીયો ત્યાગી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક નેતાગીરી અને કથિત ભ્રષ્ટાચારથી નારાજ થઈને મંજુસર પંથકના અગ્રણી સહિત 100થી વધુ સક્રિય કાર્યકરોએ ભાજપને 'રામ-રામ' કહી કોંગ્રેસમાં પ્રવેશ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.
સાવલીના ગોઠડા જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા વિવિધ ગામોના કાર્યકરોએ ભાજપ સામે બગાવત કરી છે. પક્ષ છોડનારા કાર્યકરોનો આક્ષેપ છે કે વિસ્તારમાં ભાજપના શાસન હેઠળ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને સ્થાનિક નેતાગીરી કાર્યકરોની રજૂઆતો પ્રત્યે ઉદાસીન છે. આ અન્યાયી નીતિથી કંટાળીને મંજુસર પંથકના જાણીતા અગ્રણી કેતન પંચાલ અને તેમની સાથે 100 જેટલા કાર્યકરોએ પક્ષમાંથી છેડો ફાડ્યો છે.
ભાજપ છોડીને આવેલા તમામ કાર્યકરો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય અને અન્ય કોંગી અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ તમામ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. આ પક્ષપલટાને કારણે સાવલી પંથકમાં કોંગ્રેસ વધુ મજબૂત બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

