VIDEO: Vadodaraમાં 2 જૂથો વચ્ચે હિંસક અથડામણ; સ્કૂટર હટાવવા જેવી નજીવી બાબતે મોડી રાત્રે સામસામે પથ્થરમારો
વડોદરામાં અવારનવાર નાની બાબતોમાં મોટા ઝઘડા થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. શહેરના નાગરવાડા વિસ્તારમાં ગત રાત્રે નજીવી બાબતે ઉશ્કેરાયેલા બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. સ્કૂટર હટાવવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ અંતે હિંસક અથડામણમાં પરિણમ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, નાગરવાડા વિસ્તારમાં સાંજના સમયે સ્કૂટર હટાવવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ગરમાતા સ્થાનિક વડીલોએ વચ્ચે પડીને બંને પક્ષોને સમજાવ્યા હતા અને શાંતિપૂર્વક સમાધાન કરાવ્યું હતું. જોકે, આ સમાધાન લાંબો સમય ટક્યું નહોતું. સાંજે થયેલા ઝઘડાની અદાવત રાખીને મોડી રાત્રે ફરી એકવાર મામલો બિચક્યો હતો. એક જ કોમના બે જૂથો આમને-સામને આવી ગયા હતા અને જોતજોતામાં પથ્થરમારો શરૂ કરી દીધો હતો. અચાનક થયેલા પથ્થરમારાને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ હતો. ઘટનાની જાણ થતા જ કારેલીબાગ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ હુમલો કરનાર લોકોની શોધખોળ શરુ કરી છે.

