VIDEO: Vadodaraમાં ચૂંટણી પહેલા પોસ્ટર વોર; ભાજપના ગઢમાં વિરોધના બેનરોથી ખળભળાટ
વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં ભાજપ સામેના વિરોધ પ્રદર્શનમાં હવે 'પોસ્ટર વોર'ની એન્ટ્રી થઈ છે. વાસણા-ભાયલી અને ગોત્રી જેવા ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં લાગેલા બેનરોએ સત્તાધારી પક્ષમાં ખળભળાટ મચાવી દીધો છે.
વડોદરાના વિવિધ સર્કલો પર રાતોરાત લાગેલા આ બેનરોમાં સીધો પ્રહાર કરવામાં આવ્યો છે. બેનરોમાં લખાયેલા સૂત્રો "મોદીજીના નામ પર કેટલા સમય સુધી વોટ માંગશો? 'સ્થાનિકને જ ટિકિટ આપો'ની પ્રબળ માંગ ઉઠી છે, જેના કારણે બહારથી આવતા કે પેરાશૂટ ઉમેદવારો અને ટિકિટ વાંચ્છુકોના સમીકરણો બગડવાની શક્યતા દેખાઈ રહી છે.
આ પોસ્ટર વોરે ભાજપના સંગઠનમાં દોડધામ મચાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પોસ્ટરો પાછળ પક્ષના જ કેટલાક અસંતુષ્ટ નેતાઓનો હાથ હોવાની શંકા સેવવામાં આવી રહી છે. વર્ષો પહેલા જે રીતે ભાજપના જ કેટલાક નેતાઓએ 'કેસરિયા પેનલ' બનાવીને પક્ષ સામે મોરચો માંડ્યો હતો, તેવી જ સ્થિતિ ફરી સર્જાય તો નવાઈ નહીં.
પોસ્ટરો કોણે લગાવ્યા તે જાણવા માટે ભાજપના નેતાઓ દ્વારા પાછલા દરવાજે તપાસ શરૂ કરવામાં આવી છે. નજીકની દુકાનો, શોપિંગ મોલ્સ અને સર્કલો પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. આંતરિક વિખવાદ અને જનતાના રોષને જોતા આગામી દિવસોમાં ટિકિટ ફાળવણીમાં મોટા ફેરફાર થઈ શકે છે. પશ્ચિમ વિસ્તારના પોશ વિસ્તારોમાં જે રીતે ભાજપના જ ગઢમાં ગાબડું પડતું દેખાય છે, તે જોતા પક્ષના મોવડી મંડળ માટે આ ચિંતાનો વિષય બન્યો છે.

