Vadodra news: પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર, હાઈકોર્ટે સંભળાવ્યો ચૂકાદો

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વડોદરાના અરજદારો દ્વારા દાખલ કરાયેલી અરજી મંજૂર રાખતા હાઇકોર્ટે પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવારોને BCAના હોદ્દેદારોની ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કર્યા છે.
ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ
માહિતી મુજબ વડોદરાના પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારો દ્વારા ચૂંટણી દરમિયાન કેટલાક ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકારવાના રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
હાઇકોર્ટે કેસની સુનાવણી બાદ પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાને ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા છે. સાથે જ ઉપરોક્ત ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકારવાનો રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય પણ રદ કરવામાં આવ્યો છે. સાથે હાલની વચગાળાની વ્યવસ્થા બે અઠવાડિયા માટે વધારવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

