સુરેન્દ્રનગરમાં MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, ઉત્તર પ્રદેશમાંથી સપ્લાય થતો હોવાનો ખુલાસો

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાંથી SOG પોલીસે MD ડ્રગ્સના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા ડ્રગ્સના વેચાણ સામે પોલીસે કાર્યવાહી કરી છે. SOGની ટીમે સુધારા પ્લોટ નજીકથી સમીર કટિયા નામના યુવકને ઝડપી પાડ્યો હતો.
MD ડ્રગ્સ ઉત્તર પ્રદેશમાંથી સપ્લાય થતું હોવાનો ખુલાસો
પોલીસે આરોપી પાસેથી 2.24 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન MD ડ્રગ્સ ઉત્તર પ્રદેશમાંથી સપ્લાય થતું હોવાનો ખુલાસો થયો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડ્રગ્સનો છૂટક જથ્થો વેચતો હોવાનું પણ સામે આવ્યું છે.
આ મામલે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કેસની તપાસમાં ASP સહિતના પોલીસ અધિકારીઓ જોડાયા છે. પોલીસે ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની વધુ પૂછપરછમાં ડ્રગ્સ ક્યાંથી મેળવવામાં આવતું હતું, કોના મારફતે શહેરમાં પહોંચતું હતું અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે અંગે મહત્વપૂર્ણ માહિતી બહાર આવે તેવી શક્યતા છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

