VIDEO: સુરેન્દ્રનગરના અગરિયાઓ પાયમાલ! મંત્રી દર્શના વાઘેલા સાથે અગરિયાઓ આવતીકાલે CMને રજૂઆત કરશે
VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડાએ રણ વિસ્તારમાં મીઠું પકવતા હજારો અગરિયાઓની જિંદગી પાયમાલ કરી નાખી છે. અતિ ભારે પવન અને વરસાદને કારણે અગરિયાઓના મીઠાના પાટા, ઝૂંપડાં અને આજીવિકાના સાધનો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. આ અસહ્ય પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે હવે અગરિયાઓ મુખ્યમંત્રી સમક્ષ વળતર અને વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવાની રજૂઆત કરશે.
અસહ્ય નુકસાન અને પાયમાલી
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના રણ વિસ્તારમાં મીઠું પકવતા 5,000થી વધુ અગરિયા પરિવારોને વાવાઝોડાએ સીધી અસર કરી છે. અતિ ભારે પવન અને વરસાદને કારણે તેમના મીઠાના પાટાઓમાં પાણી ભરાઈ ગયા છે અને મીઠું ઓગળી ગયું છે, જેનાથી તેમને 90 ટકાથી વધુનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આટલું જ નહીં, વાવાઝોડાના પગલે અગરિયાઓના કાચા ઝુંપડા તૂટી ગયા છે, મીઠું પકવવા માટે ઉપયોગમાં લેવાતી સોલાર પ્લેટો ભાંગીને ભૂકો થઈ ગઈ છે અને ઘરવખરી પણ વાવાઝોડામાં તૂટી ગઈ છે. હાલમાં આ અગરિયાઓ માટે 'ઉપર આકાશ અને નીચે ધરતી' જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, અને તેઓ પોતાની જિંદગી ફરીથી શરૂ કરવા માટે લાચાર છે.
મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
આ ગંભીર કટોકટી વચ્ચે, સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દર્શના વાઘેલા પોતે અગરિયાઓની સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવા સાથે જવાના છે. મુખ્યમંત્રી દ્વારા અગરિયાઓની મુલાકાત અને રજૂઆત માટે આવતીકાલે (23 માર્ચ 2026) બપોરના સમયે સમયની ફાળવણી કરવામાં આવી છે. આ બેઠકમાં અગરિયાઓ મુખ્યમંત્રી સમક્ષ તેમની વેદના રજૂ કરશે અને સરકાર તરફથી વહેલી તકે યોગ્ય સહાય અને વળતર પેકેજની માંગ ઉઠાવશે, જેથી તેઓ ફરીથી મીઠું પકવવા માટે બેઠા થઈ શકે.
ધારાસભ્યની સરકારને માંગ
સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારે પણ આ મામલે સરકારને લખેલા પત્રમાં અગરિયાઓને તાત્કાલિક રાહત પહોંચાડવા પર ભાર મૂક્યો છે. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે, વાવાઝોડાથી પાયમાલ બનેલા અગરિયાઓ માટે નુકસાન અંગે રૂપિયા 210 કરોડનું વિશેષ બજેટ સરકાર ફાળવે, જેથી તેઓ પોતાની આજીવિકા અને ઘરવખરી ફરીથી વસાવી શકે. હવે જોવાનું એ રહે છે કે, મુખ્યમંત્રી સાથેની આ બેઠક બાદ સરકાર તરફથી અગરિયાઓ માટે કોઈ મોટી રાહતની જાહેરાત કરવામાં આવે છે કે નહીં.

