VIDEO: મિડલ ઈસ્ટ યુદ્ધની આગમાં ગુજરાતનો વેપાર અટવાયો: ગલ્ફમાં 500 કરોડની કેરી અને 1500 કરોડનું ગારમેન્ટ માર્કેટ જોખમમાં!
VIDEO: મિડલ ઈસ્ટમાં ફાટી નીકળેલા યુદ્ધની જ્વાળાઓ હવે સમુદ્રી માર્ગો વાટે ગુજરાતના બંદરો અને વેપારીઓ સુધી પહોંચી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, જેની સૌથી માઠી અસર ગુજરાતના નિકાસકારો પર પડી છે.
કરોડોનો માલ મધદરિયે અટકી પડયો
મળતી માહિતી મુજબ, હાલમાં UAE અને ઓમાનના પોર્ટ પર અંદાજે 29,000 જેટલા કન્ટેનર અટવાઈ પડ્યા છે. જેમાં ભારતની વિવિધ પ્રોડક્ટ્સ ધરાવતા 5,000થી વધુ કન્ટેનરનો સમાવેશ થાય છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ અટવાયેલા માલને ભારત પરત લાવવા માટે નિકાસકારોએ અંદાજે રૂપિયા 275 કરોડનો વધારાનો ટ્રાન્સપોર્ટ અને રિટર્ન ચાર્જ ભોગવવો પડી રહ્યો છે.
ગુજરાતની કેરી અને ગારમેન્ટ સેક્ટરને ફટકો
ડૉ. કઠવાડિયાએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાંથી ગલ્ફ દેશોમાં મોકલેલી અંદાજે રૂપિયા 500 કરોડની કેરીના કન્ટેનર હાલ અટવાયેલા છે. કેરી 'પેરિશેબલ ગુડ્સ' (જલ્દી બગડી જાય તેવો માલ) હોવાથી 800થી વધુ કન્ટેનરમાં રહેલો માલ બગડી જવાની પૂરેપૂરી આશંકા છે. આ ઉપરાંત, આગામી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ગલ્ફ દેશોમાં મોકલેલા ગારમેન્ટના કન્ટેનર અટવાતા રૂપિયા 1500 કરોડના કાપડ ઉદ્યોગના બિઝનેસ પર સીધી અસર પડી છે.
સરકાર પાસે રાહતની માંગ
કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે, યુદ્ધ જેવી આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિકાસકારો પાસેથી વસૂલવામાં આવતો 'રિટર્ન ચાર્જ' માફ કરવામાં આવે. આ ઉપરાંત, જે વેપારીઓનો માલ બગડી ગયો છે અથવા જેમને મોટું આર્થિક નુકસાન થયું છે, તેમના માટે ખાસ આર્થિક પેકેજ જાહેર કરી તેમને રક્ષણ આપવામાં આવે તે અત્યંત મહત્ત્વનું છે.

