VIDEO: Surendranagar Food Raid: જોરાવરનગરમાં રૅસ્ટોરન્ટ અને ફરસાણના સ્ટોલ પર તવાઈ, લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ નિશાને
VIDEO: આગામી મકરસંક્રાંતિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર વિસ્તારમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલતદાર, ફૂડ વિભાગ અને મહાનગરપાલિકાની સંયુક્ત ટીમોએ આજે જોરાવરનગરની જાણીતી ખાણીપીણીની હોટલો અને રૅસ્ટોરન્ટ્સ પર સરપ્રાઈઝ દરોડા પાડ્યા હતા.
લોકોની ફરિયાદ બાદ તંત્ર જાગ્યું છેલ્લા કેટલાક સમયથી જોરાવરનગર વિસ્તારમાં હોટલ અને રૅસ્ટોરન્ટ્સમાં હલકી ગુણવત્તાના તેલ અને ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોના આધારે તંત્રએ ગુપ્ત રીતે વોચ ગોઠવીને આજે સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
ખાદ્ય પદાર્થોના નમૂના લેબોરેટરીમાં મોકલાયા દરોડા દરમિયાન અધિકારીઓએ ફરસાણ, તેલ, મસાલા અને તૈયાર વાનગીઓના અનેક નમૂનાઓ સ્થળ પરથી જપ્ત કર્યા હતા. આ તમામ સેમ્પલોને સીલ કરીને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો તપાસમાં માલ સામાન હલકી ગુણવત્તાનો કે અખાદ્ય જણાશે તો સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બજારમાં ફફડાટનો માહોલ અચાનક શરૂ થયેલી આ કામગીરીને પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો અને ઘણા ખાણીપીણીના માર્કેટમાં સન્નાટો જોવા મળ્યો હતો. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે તહેવારના સમયે નફાખોરી કરવા માટે લોકોના જીવ જોખમમાં મૂકનારા કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં.

