VIDEO: દુષ્કર્મના ગુનેગાર નારાયણ સાંઈ પોલીસ બંદોબસ્ત વચ્ચે સિવિલ હોસ્પિટલ લવાયો, તબીબોની ખાસ પેનલે કરી તપાસ
VIDEO: સુરત શહેરના લાજપોર જેલમાં બંધ આસારામના પુત્ર અને દુષ્કર્મના ગુનામાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. નારાયણ સાંઈને સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના કારણે રૂટિન ચેક-અપ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
જૂના 'રંગ' માં જોવા મળ્યો નારાયણ સાંઈ હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે નારાયણ સાંઈ માથે મફલર બાંધેલી હાલતમાં જોવા મળ્યો હતો. નવાઈની વાત એ હતી કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં તેના હાથમાં હથકડી જોવા મળી ન હતી. સોશિયલ મીડિયા અને ઉપસ્થિત લોકોમાં તેના આ જૂના 'અંદાજ' અને 'રંગ' ને લઈને અનેક ચર્ચાઓ જાગી હતી.
તબીબોની ખાસ પેનલ દ્વારા તપાસ નારાયણ સાંઈના સ્વાસ્થ્યની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના તબીબોની એક ખાસ પેનલ તૈયાર કરવામાં આવી હતી. આ નિષ્ણાત તબીબોએ નારાયણ સાંઈનું સઘન સ્વાસ્થ્ય પરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસ બાદ તબીબોએ તેને જરૂરી દવાઓ આપી હતી અને જેલમાં રાખવાની સાવચેતી અંગે કેટલાક મહત્વના સૂચનો પણ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચેકઅપ પૂર્ણ થયા બાદ તેને ફરીથી કડક સુરક્ષા વચ્ચે લાજપોર જેલ પરત મોકલી આપવામાં આવ્યો હતો.

