VIDEO: મહેસાણા રેલવે સ્ટેશન બનશે હાઈટેક: મૉલ અને રૅસ્ટોરન્ટ જેવી સુવિધાઓ સાથે થશે આધુનિકીકરણ, જાણો GMના નિરીક્ષણ બાદ શું મળી ભેટ
VIDEO: મહેસાણા રેલવે સ્ટેશનના વિકાસને વેગ આપવા માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (GM) વિવેક ગુપ્તા અને DRM દ્વારા વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન મહેસાણા-પાટણના સાંસદ મયંક નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા અને રેલવેના વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી.
સ્ટેશનનું આધુનિકીકરણ અને નવી સુવિધાઓ મહેસાણા સ્ટેશનને હવે નવા યુગનું સ્ટેશન બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સ્ટેશન પર મુસાફરો માટે માત્ર ટ્રેનની સુવિધા જ નહીં, પરંતુ મનોરંજન અને જમવા માટે મૉલ અને આધુનિક રૅસ્ટોરન્ટ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આનાથી મુસાફરોનો વેઈટિંગ ટાઇમ વધુ સુખદ બનશે.
ટ્રેનોની સંખ્યામાં ધરખમ વધારો GM વિવેક ગુપ્તાએ માહિતી આપી હતી કે, અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટનું કામ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ કામ પૂર્ણ થતા જ ટ્રેનોના ટર્મિનેશનની ક્ષમતા વધશે, જેનો સીધો લાભ મહેસાણાને મળશે. પશ્ચિમ રેલવે આગામી 5 વર્ષમાં ટ્રેનોની સંખ્યા 256થી વધારીને 450 કરવાનું આયોજન કરી રહી છે.
મહેસાણા-અંબાજી નવી રેલવે લાઈન અને બેચરાજી ટ્રેન ઉત્તર ગુજરાતના ધાર્મિક પ્રવાસનને વેગ આપવા માટે મહેસાણા-અંબાજી નવી રેલવે લાઈનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ઉપરાંત, બેચરાજી-રણુજ સેક્શનનું નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે અને ટૂંક સમયમાં આ રૂટ પર પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવશે, જે સ્થાનિક લોકો માટે મોટી રાહત સાબિત થશે.
ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ શહેરમાં રેલવે ફાટકોને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રેલવે તંત્ર દ્વારા મોટા પાયે ROB (રેલવે ઓવર બ્રિજ) અને RUB (રેલવે અંડર બ્રિજ) બનાવવાનું આયોજન હાથ ધરાયું છે.

