Surendranagar news: રિકન્ટ્રક્શન દરમિયાન પોલીસકર્મીને છરી હુલાવી આરોપીનો ભાગવાનો પ્રયાસ, વળતી કાર્યવાહીમાં કરાયું ફાયરિંગ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે, જેથી આરોપીઓની શાન ઠેકાણે લાવવા પોલીસ વિભાગ દ્વારા ઝડપાયેલા આરોપીઓનું રીકન્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે રીકન્ટ્રક્શનમાં પોલીસ એક આરોપીને લઈ ગઈ હતી પરંતુ આરોપી દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવતા પોલીસે વળતી કાર્યવાહી કરી આરોપી ઉપર ફાયરિંગ કર્યું છે.
આરોપીએ પોલીસકર્મીને છરી હુલાવી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે એક આરોપીને રીકન્ટ્રક્શન માટે પોલીસ ઘટનાસ્થળે લઈ ગઈ હતી, દરમિયાન આરોપીએ વૃક્ષ પાસે પડેલી છરી ઉઠાવીને આરોપી દેવરાજ ઉર્ફે બુબ શિવાભાઈ બોરાણાએ પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મીને છરી વાગતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે વળતી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું
આરોપી દ્વારા નાસી છૂટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે વળતી કાર્યવાહીમાં ફાયરિંગ કરતા તેને પગના ભાગે ગોળી વાગી હતી અને તેને લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. દેવરાજ ઉપર મારામારી તેમજ તડીપાર સહિતના ગુનાઓ દાખલ થયેલા છે, ત્યારે તેના રિકન્ટ્રક્શન માટે પોલીસ શિયાણી ગામ ખાતે લઈ ગઈ હતી અને આ પ્રકારની ઘટના બની છે. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

