VIDEO: Surendranagar / ભાજપની ટિકિટ ફાળવણીમાં વિવાદ; હનીટ્રેપના આરોપીને ટિકિટ અપાતા પક્ષમાં જ ભડકો
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ પાટડીની સવલાસ સીટ પર મોટો રાજકીય વિવાદ છેડાયો છે. ભાજપે છેલ્લી ઘડીએ આ બેઠક પરથી નટુજી ઠાકોરને મેન્ડેટ આપી ઉમેદવારી ફોર્મ ભરાવતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
ભાજપે સામાન્ય રીતે યાદી જાહેર કરીને ઉમેદવારોની જાહેરાત કરતી હોય છે, પરંતુ સવલાસ સીટ પર કોઈ પણ પૂર્વ જાણકારી વગર સીધું જ મેન્ડેટ આપી દેવામાં આવ્યું હતું. આ ઉમેદવારને લઈને વિરોધ થવાનું મુખ્ય કારણ તેમનો વિવાદાસ્પદ ભૂતકાળ છે. ભાજપ જે ઉમેદવારને ટિકિટ આપી છે તે નટુજી ઠાકોર અગાઉ હનીટ્રેપ જેવા ગંભીર કેસમાં ફસાઈ ચૂક્યા છે. નટુજી ઠાકોરના પત્ની અગાઉ જિલ્લા પંચાયતના ચેરમેન રહી ચૂક્યા છે. તે સમયે પણ આક્ષેપો થયા હતા કે પત્નીના નામે તમામ પ્રકારના વહીવટ નટુજી જ કરતા હતા.
એક તરફ ભાજપ 'સ્વચ્છ પ્રતિભા' ધરાવતા ઉમેદવારોની વાત કરે છે, ત્યારે બીજી તરફ આવા વિવાદાસ્પદ વ્યક્તિને ટિકિટ મળતા કાર્યકરો અને જનતામાં આશ્ચર્ય ફેલાયું છે. નટુજી ઠાકોરને ટિકિટ મળતા જ સ્થાનિક ઠાકોર સમાજના આગેવાનોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. ભાજપે રણનીતિના ભાગરૂપે યાદીમાં નામ જાહેર કરવાને બદલે સીધું મેન્ડેટ આપીને ફોર્મ ભરાવ્યું, જેથી વિરોધને દબાવી શકાય. પરંતુ, આ દાવ ઊંધો પડતો દેખાઈ રહ્યો છે. હાલમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

