Surendranagar news: કેસરીયો ધારણ કરતાની સાથે જ રાજુ કરપડાને મળી ટિકિટ, મૂળી-2 બેઠક પરથી લડશે ચૂંટણી

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં એક મોટો ગરમાવો જોવા મળ્યો છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયેલા યુવા ખેડૂત નેતા રાજુ કરપડાને પક્ષ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે તેમને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક પરથી પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
નોંધનીય છે કે રાજુ કરપડા ગઈકાલે જ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા અને તેના 24 કલાકમાં જ પક્ષે તેમના પર ભરોસો મૂકીને ટિકિટ એનાયત કરી દીધી છે. મૂળી-2 બેઠક પરથી હવે તેઓ ભાજપના પ્રતિનિધિ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે. તેમના ભાજપમાં જોડાવાથી અને તુરંત ટિકિટ મળવાથી સ્થાનિક સ્તરે સમીકરણો બદલાય તેવી શક્યતા છે.
ખેડૂત નેતા રાજુ કરપડા સત્તાવાર રીતે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપના આગેવાનોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને માત્ર રાજુ કરપડા જ નહીં, પરંતુ તેમની સાથે અમૃત મકવાણા, નીતિન પટેલ, કે. ડી. ઝાલા, રાજેન્દ્ર સિંહ રાઠોડ અને ધીરુભાઈ મેલાલિયા જેવા અન્ય અગ્રણી નેતાઓએ પણ ભાજપનો સાથ સ્વીકાર્યો છે. આ નેતાઓના જોડાવાથી ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે તેમ માનવામાં આવે છે.
કેસરિયો ધારણ કર્યા બાદ શું કહ્યું કરપડાએ?
ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, "મેં 2017-18થી ખેડૂત સંગઠન ચલાવીને ખેડૂતોનો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. 2021માં હું એક ચોક્કસ પક્ષમાં જોડાયો જેથી ખેડૂતોનો અવાજ બુલંદ બનાવી શકાય. જ્યારે પણ કુદરતી આફતો આવી, ત્યારે મેં ખેડૂતો માટે અવાજ બનવાનો પ્રયાસ કર્યો છે. "તેમણે વધુમાં ઉમેર્યું કે, "મને સમજાયું છે કે સરકાર સામે માત્ર વિરોધ પ્રદર્શન કરવાથી ખેડૂતોનું હિત નથી થતું, તેનાથી માત્ર નેતાનો ચહેરો ચમકે છે. ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે સત્તા અને સરકારના સાથની જરૂર છે. હું જ્યારે જેલમાં હતો ત્યારે સરકારે રાહત પેકેજ આપ્યું હતું, જેનાથી ખેડૂતોને ખરેખર ફાયદો થયો હતો. આથી, ખેડૂતોના હિત માટે હું ભાજપમાં જોડાયો છું."
રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારના છે. 2017-18ના સમયગાળા દરમિયાન કપાસ અને મગફળીના ભાવો તેમજ પાક વીમા મુદ્દે તેમણે આક્રમક આંદોલનો કરીને ખેડૂત નેતા તરીકે ઓળખ બનાવી હતી. વર્ષ 2021માં તેઓ આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ચોટીલા બેઠક પરથી 'આપ'ની ટિકિટ પર ચૂંટણી પણ લડી હતી. ખેડૂતોના પ્રશ્ને આંદોલન કરવા બદલ તેઓ ઘણી વખત જેલ પણ જઈ આવ્યા છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી પક્ષની આંતરિક નીતિઓથી નારાજ થઈ તેમણે 'આપ'માંથી રાજીનામું આપ્યું હતું અને હવે તેઓ સત્તાધારી પક્ષ ભાજપના સાથી બન્યા છે.
કોણ છે રાજુ કરપડા અને કેમ હતા ચર્ચામાં?
રાજુ કરપડા ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં એક લડાયક યુવા નેતા તરીકે જાણીતા છે.
ખેડૂત આંદોલન અને લોકપ્રશ્નો: રાજુ કરપડાએ સૌરાષ્ટ્રમાં વીમાના પ્રશ્ને અને ખેડૂતોના પડતર પ્રશ્નો માટે અનેક વખત આક્રમક આંદોલનો કર્યા હતા.
ગઢડા વિધાનસભા બેઠક: 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ ગઢડા બેઠક પરથી 'આપ' ના મજબૂત ઉમેદવાર તરીકે મેદાનમાં હતા, જ્યાં તેમણે ભાજપ અને કોંગ્રેસ બંનેને ટક્કર આપી હતી.
સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા: તેઓ પાયાના કાર્યકર તરીકે જાણીતા છે અને સોશિયલ મીડિયા પર તેમની મોટી ફેન ફોલોઈંગ છે, જે યુવા મતદારો પર પ્રભાવ પાડે છે.
લડાયક મિજાજ: સરકારની નીતિઓ સામે અવારનવાર રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવાને કારણે તેમની ગણના આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી નેતા તરીકે થતી હતી.
ભાજપમાં જોડાવાનું કારણ
રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે. તેમણે ઉમેર્યું કે, કાર્યકરોની ઉપેક્ષા અને પક્ષની આંતરિક કાર્યશૈલીને કારણે તેમણે 'આપ' સાથે છેડો ફાડ્યો છે. તેમના ભાજપમાં આવવાથી અમરેલી અને ગઢડા પંથકમાં ભાજપના સંગઠનને વધુ મજબૂતી મળવાની શક્યતા છે.

