VIDEO: Surendranagar / ચૂંટણી પૂર્વે AAPમાં આંતરિક વિખવાદ; ટિકિટ માટે પૈસા માંગ્યાનો યુવા પ્રમુખનો આક્ષેપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો વચ્ચેના ડખાએ હિંસક વળાંક લીધો છે. પક્ષના યુવા પ્રમુખે પોતાના જ પક્ષના જિલ્લા પ્રમુખ અને અન્ય દાવેદારો સામે મારમારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.
આ વિવાદના મૂળમાં ટિકિટ વિતરણ હોવાનું સામે આવ્યું છે. સાયલા તાલુકાના 'આપ'ના યુવા પ્રમુખે જિલ્લા પ્રમુખ મયુર સાકરીયા પર ગંભીર આક્ષેપ કર્યો હતો કે તેઓ પૈસા લઈને ટિકિટોનું વેચાણ કરી રહ્યા છે. આ આક્ષેપો બાદ મામલો ગરમાયો હતો અને અંતે મારામારી સુધી પહોંચ્યો હતો. યુવા પ્રમુખે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે ટિકિટ વિતરણ મુદ્દે બોલાચાલી થયા બાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે મયુર સાકરીયા (જિલ્લા પ્રમુખ), હરેશ વાટુકિયા (જિલ્લા પંચાયતના દાવેદાર), મનસુખ સરવૈયા (જિલ્લા પંચાયતના દાવેદાર) સહિત અન્ય બે લોકો સામે સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બાદ સાયલા પંથકના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે.

