VIDEO: સુરેન્દ્રનગરમાં વીજ કંપનીનું કૌભાંડ: મુખ્ય લાઈનમાંથી પાવર ચોરી આખું ગામ અજવાળ્યું, કરોડોનું કૌભાંડ પકડાયું
VIDEO: ઝાલાવાડ પંથકમાં વીજ ચોરીના ઈતિહાસનું સૌથી મોટું અને વ્યવસ્થિત નેટવર્ક ઝડપાતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગર પોલીસ અને PGVCL વિભાગની સ્ટેટ ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક એવા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં સરકારી વીજળીની ચોરી કરવા માટે ખાનગી વીજ થાંભલાઓ ઊભા કરી આખું સમાંતર નેટવર્ક ચલાવવામાં આવતું હતું.
સુઆયોજિત કૌભાંડનો પર્દાફાશ
આ ઘટનાની વિગતો મુજબ, જિલ્લાના નોલી, સૌકા, લાખાવડ અને રામપરા વિસ્તારોમાં વીજ માફિયાઓ દ્વારા મુખ્ય વીજ લાઈનમાંથી ગેરકાયદેસર કનેક્શન મેળવીને પોતાના ખાનગી થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા હતા. આ થાંભલાઓ મારફતે ગામડાઓ સુધી વીજળી પહોંચાડીને તેનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હોવાનો ધડાકો થયો છે. એટલે કે, સરકારી વીજળી ચોરીને ખાનગી ધોરણે વીજ વિતરણનું આખું કૌભાંડ ધમધમતું હતું.
ભારે સુરક્ષા વચ્ચે મેગા સર્ચ ઓપરેશન
આ ગંભીર ગુનાની તપાસ માટે PGVCLની 120 ટીમો અને સુરેન્દ્રનગર પોલીસના 300થી વધુ અધિકારીઓ અને જવાનોના કાફલાએ એકસાથે દરોડા પાડ્યા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન વીજ વિભાગે અંદાજે રૂપિયા 2.53 કરોડનો મસમોટો દંડ ફટકાર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આ મામલે જણાવ્યું હતું કે, આ માત્ર વીજ ચોરી નથી પણ એક ગંભીર આર્થિક ગુનો છે અને આમાં સંડોવાયેલા તમામ શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ટેક્નોલૉજી અને પોલીસ એક્શન
વીજ માફિયાઓએ આધુનિક ટેક્નોલૉજી અને સાધનોનો ઉપયોગ કરીને આ નેટવર્ક ઊભું કર્યું હતું. હાલ પોલીસે ગુનો નોંધીને કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હતી અને તેમાં કોણ કોણ સામેલ છે તેની ઊંડી તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

