VIDEO: Suratમાં ભાજપના ઉમેદવારો જાહેર થતાં જ ભડકો; મોતા ગામે ગ્રામજનોએ કર્યો ચૂંટણી બહિષ્કાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરત જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતાની સાથે જ અનેક વિસ્તારોમાં અસંતોષની જ્વાળાઓ ફાટી નીકળી છે. ખાસ કરીને બારડોલી તાલુકાના મોતા ગામે ભાજપ સામે બળવો પોકારીને આખા ગામે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે.
મોતા ગામના રહીશોનો આક્ષેપ છે કે આખું ગામ વર્ષોથી ભાજપની વિચારધારાને વરેલું છે, તેમ છતાં સંગઠન દ્વારા ગામની અવગણના કરવામાં આવી રહી છે. છેલ્લા 25 વર્ષથી ચૂંટણીમાં ટિકિટ આપવા માટે મોતા ગામને પ્રાધાન્ય આપવામાં આવતું નથી, જેને કારણે સ્થાનિક કાર્યકરો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બાબેન જિલ્લા પંચાયત બેઠક પરથી મોતા ગામની બે સક્રિય મહિલાએ ટિકિટની માંગણી કરી હતી. ગ્રામજનોને આશા હતી કે આ વખતે પક્ષ ગામના પ્રતિનિધિત્વને સ્વીકારશે. જોકે, ભાજપે આ બંને મહિલાઓની ટિકિટ કાપી અન્યને મેદાનમાં ઉતારતા વિવાદ વકર્યો છે. માત્ર મોતા ગામ જ નહીં, સુરત જિલ્લાની અન્ય અનેક તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો પર પણ ભાજપમાં અસંતોષ સામે આવ્યો છે.

