VIDEO: સુરતમાં તડકેશ્વર જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન થશે? સિવિલ હોસ્પિટલ પાસેની જર્જરિત ટાંકીથી હજારો લોકોના જીવ જોખમમાં
VIDEO: સુરત જિલ્લાના તડકેશ્વર ગામમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની કરુણ ઘટના હજુ લોકસ્મૃતિમાંથી ભૂંસાઈ નથી, ત્યાં સુરત શહેરમાંથી વધુ એક ભયાનક તસવીર સામે આવી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલની બિલકુલ પાછળ આવેલી વર્ષો જૂની અને જર્જરિત પાણીની ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે. આ ટાંકી હજારો લોકો અને દર્દીઓના જીવ માટે જોખમ ઊભું કરી રહી છે, છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે.
મોટી દુર્ઘટનાના એંધાણ
નવી સિવિલ હોસ્પિટલની પાછળ અને વડોદ ગામ પાસે આવેલી આ પાણીની ટાંકી લાંબા સમયથી બંધ હાલતમાં છે. ટાંકીની સ્થિતિ એટલી હદે ખરાબ છે કે તેના સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે અને લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. ટાંકીના દાદરા પણ સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયા છે. જો આ ટાંકી ધરાશાયી થાય, તો તે સીધી બાજુમાં આવેલા મેઈન રોડ પર પડે તેમ છે, જ્યાંથી ચોવીસ કલાક વાહનો અને દર્દીઓની અવર-જવર રહે છે.
રાજકીય ગરમાવો: કોંગ્રેસે સાધ્યું નિશાન
સ્થાનિક કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળાએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "છેલ્લા ૩૦-૩૫ વર્ષથી ભાજપનું શાસન છે અને શહેરમાં ઠેર-ઠેર ભ્રષ્ટાચારની ટાંકીઓ જોવા મળી રહી છે. સરકાર અને અધિકારીઓ કદાચ કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે. જ્યારે કોઈ મરે છે, ત્યારે તપાસ સમિતિ અને વળતરના નાટકો કરવામાં આવે છે, પરંતુ અગાઉથી કોઈ પગલાં લેવામાં આવતા નથી."
સ્થાનિકોમાં ભારે રોષ
સ્થાનિક રહીશ સંતોષ પાટીલે પોતાનો ભય વ્યક્ત કરતા કહ્યું કે, "આ રસ્તેથી મારી રોજની અવર-જવર છે. ટાંકીની નીચે ઊભા રહેતા પણ ડર લાગે છે. સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ આવતા હોય છે, જો આ ટાંકી રોડ પર પડે તો મોટી જાનહાનિ થઈ શકે છે. અધિકારીઓએ પોતાની આંખો ખોલી આ જીવતા બોમ્બ સમાન ટાંકીને તાકીદે ઉતારી લેવી જોઈએ."
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વડોદ વિસ્તારની આવી જ સ્થિતિ અંગે મીડિયા દ્વારા અહેવાલો દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ તંત્ર તરફથી માત્ર 'તપાસ કરાશે' તેવા રટણ સિવાય નક્કર કાર્યવાહી જોવા મળી નથી.

