VIDEO: સુરતનું ગૌરવ, પદ્મશ્રી નિલેશ માંડલેવાળાની ‘ડોનેટ લાઈફ’ સંસ્થાએ 57 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને 1258 લોકોને આપ્યું જીવનદાન
Padma Awards 2026 : ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ જાહેર કરાયેલા પદ્મ પુરસ્કારોમાં સુરતના સામાજિક કાર્યકર અને 'ડોનેટ લાઈફ' સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાળાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સમાચાર મળતા જ માંડલેવાળા પરિવાર અને સમગ્ર સુરતમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
પિતાના નિધનથી જન્મેલો સેવાયજ્ઞ
નિલેશ માંડલેવાળાએ પદ્મશ્રીની જાહેરાત બાદ ભાવુક થઈને જણાવ્યું કે, 21 વર્ષ પહેલા તેમના પિતાનું કીડી કરડવાને કારણે (એનાફિલેક્ટિક શોક) નિધન થયું હતું, જે બાદ તેમને અંગદાનનો વિચાર આવ્યો હતો. તેમણે આ એવોર્ડ પોતાના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કર્યો છે. 2005માં 'ડોનેટ લાઈફ' સંસ્થાની સ્થાપના કરીને તેમણે અંગદાન ક્ષેત્રે ક્રાંતિ લાવી છે.
સેવાના આંકડા જે વિશ્વને પ્રેરણા આપે: છેલ્લા 21 વર્ષના અવિરત પ્રયાસોને પરિણામે નિલેશ માંડલેવાળાએ કુલ 1366 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવ્યું છે. 57 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને ૫૬ ફેફસાના દાનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. દેશ-વિદેશના 1258 લોકોને નવું જીવન અને દ્રષ્ટિ પ્રદાન કરી છે. દાન કરાયેલા અંગોમાં 551 કિડની, 240 લિવર અને 442 ચક્ષુઓનો સમાવેશ થાય છે.
સફળતાનો શ્રેય સૌને
નિલેશભાઈએ પોતાની આ સફળતાનો શ્રેય દ્વારકાધીશની કૃપા, અંગદાન કરનાર પરિવારો, ગ્રીન કોરિડૉર બનાવનાર પોલીસ તંત્ર, એરપોર્ટ ઓથોરિટી, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના ડૉક્ટરો તેમજ 20 વર્ષથી આ માહિતી લોકો સુધી પહોંચાડનાર મીડિયાને આપ્યો છે.

