Ahmedabad news: બાવળા બ્રિજ પર 2 યુવકો બાખડ્યા, એક યુવક નીચે પટકાતા ચકચાર, એકની અટકાયત

Ahmedabad news: અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. બાવળાના ઢેઢાળ ચોકડી પર આવેલા બ્રિજ પર બે યુવકો વચ્ચે થયેલી સામાન્ય રકઝક હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા, એક યુવક બ્રિજ પરથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બાવળા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, બાવળાની ઢેઢાળ ચોકડી પાસે આવેલા બ્રિજ પર બે યુવકો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. આ દરમિયાન સંજય દેવીપૂજક નામનો યુવક બ્રિજ પરથી નીચે પટકાયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક બાવળા 108ને જાણ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ અને કાર્યવાહી
બાવળા 108ની ટીમે ઈજાગ્રસ્ત સંજયને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ, ઘટનાની જાણ થતા જ બાવળા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સામે પક્ષના યુવકને પકડી પાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, બંને યુવકો વચ્ચે ભંગાર બાબતે રકઝક થઈ હતી અને તે બાદ આ દુર્ઘટના ઘટી હતી. હાલ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

