VIDEO: ગોંડલ ગુંદાળા રોડ વિવાદ: રાજકીય નેતાને કરોડપતિ બનાવવા ખેડૂતોની જમીન કપાતમાં લેવાનો ગંભીર આક્ષેપ
VIDEO: રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં રિંગરોડના આયોજનને લઈને મોટો વિવાદ સર્જાયો છે. ગોંડલના ગુંદાળા રોડ પર સૂચિત 150 ફૂટ રિંગરોડના નવા પ્લાન સામે ધરતીપુત્રોમાં પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે એક ટોચના રાજકીય નેતાને કરોડોનો આર્થિક ફાયદો કરાવવા માટે જૂનો પ્લાન રદ કરીને નવો પ્લાન રાતોરાત થોપી બેસાડવામાં આવ્યો છે.
શું છે વિવાદનું મુખ્ય કારણ?
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જૂના પ્લાન મુજબ આ રિંગરોડ જિલ્લા સંઘની પાછળથી પસાર થવાનો હતો. પરંતુ, આક્ષેપ છે કે એક વગદાર નેતાની જમીનને ટોપ લોકેશન પર લાવવા અને તેની કિંમતોમાં કરોડોનો વધારો કરવા માટે જાણીજોઈને નકશો બદલી નાખવામાં આવ્યો છે. આ નવા નકશાને કારણે 50થી વધુ નાના ખેડૂતોની જમીન સંપૂર્ણ કપાતમાં જવાની ભીતિ સેવાઈ રહી છે. જે ખેડૂતો પાસે માત્ર 3થી 5 વીઘા જમીન છે, તેઓ હવે પાયમાલ થવાના આરે આવી ગયા છે.
ન્યાય માટે મેદાને ખેડૂતો
આ અન્યાય સામે સહકારી અગ્રણી જગદીશભાઈ સાટોડિયા ખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે આ મામલે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવશે. જો ખેડૂતોને ન્યાય નહીં મળે અને જૂનો પ્લાન યથાવત રાખવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં કાનૂની લડતની સાથે ઉગ્ર આંદોલન પણ છેડવામાં આવશે.

