Ambaji news: અંબાજીમાં ‘જય સોમનાથ ઉમિયા ધામ’નું લોકાર્પણ: નીતિન પટેલની હાજરીમાં 12 કરોડના ખર્ચે બનેલા ભવ્ય બિલ્ડિંગનું ઉદઘાટન

Ambaji news: ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે દેશ-વિદેશથી આવતા માઈભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભક્તોની સુવિધામાં વધારો કરવાના હેતુથી કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતા ઊંઝા સંસ્થાન દ્વારા નિર્મિત ‘જય સોમનાથ ઉમિયા ધામ’નું રવિવારે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજે 12 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ અધતન ભવનનું ઉદ્ઘાટન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ઉમિયા ધામના પ્રમુખ બાબુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આધુનિક સુવિધાઓથી સજ્જ ભવન
ત્રણ વર્ષનાં ટૂંકા ગાળામાં તૈયાર થયેલું આ બિલ્ડિંગ અંબાજી મંદિરની અત્યંત નજીક અને હનુમાનજી મંદિર પાસે આવેલું છે. આ ભવનની વિશેષતા એ છે કે અહીંથી ગબ્બર અને માતાજીના મંદિરના સુંદર દર્શન થાય છે. આ બિલ્ડિંગમાં મુસાફરો માટે નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે:
72 લક્ઝુરિયસ એસી રૂમો અને 2 પ્રીમિયમ શ્યુટ રૂમો.
હાઈઝેનિક ભોજન કક્ષ અને અન્નપૂર્ણા હોલ.
લિફ્ટ સહિતની તમામ આધુનિક સવલતો.
દાતાઓનું સન્માન અને સમાજની પહેલ
આ પ્રોજેક્ટ વિવિધ દાતાઓના સહયોગથી પૂર્ણ થયો છે. લોકાર્પણ સમારોહ દરમિયાન નીતિન પટેલે દાતાઓની ઉદારતા અને સમાજ પ્રત્યેની તેમની નિષ્ઠાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તમામ દાતાઓનું સંસ્થા તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. અંબાજીમાં અત્યારે 300થી વધુ રહેવાની સુવિધાઓ હોવા છતાં, આ નવું ભવન તેની આધુનિકતા અને લોકેશનને કારણે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

