VIDEO: નર્મદા વિભાગની ઘોર બેદરકારી: સૂરજપુરા પાસે કેનાલ તૂટી, તૈયાર થયેલો વરિયાળી અને જીરુંનો પાક જળબંબાકાર, ખેડૂતોમાં ભારે રોષ
VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના સૂરજપુરા ખારાઘોડા કેનાલમાં આજે વહેલી સવારે મોટું ગાબડું પડતા આસપાસના વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. નર્મદા વિભાગ દ્વારા જર્જરિત કેનાલોનું સમારકામ કર્યા વિના જ પાણી છોડવામાં આવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
ખેતરો બન્યા બેટ, ઉભો પાક નાશ પામ્યો
નર્મદા કેનાલ તૂટવાને કારણે લાખો ગેલન પાણી ખેડૂતોના ખેતરોમાં ઘુસી ગયા હતા. જેને પગલે જીરું, વરિયાળી અને ઘઉં જેવા મોંઘા પાકો જે અત્યારે કાપણીની તૈયારીમાં હતા, તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેડૂતોની રાત-દિવસની મહેનત પર મિનિટોમાં જ પાણી ફરી વળ્યું છે.
તંત્ર સામે આક્રોશ
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, કેનાલની સ્થિતિ લાંબા સમયથી જર્જરિત હતી અને આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં નર્મદા વિભાગે ધ્યાન આપ્યું નહોતું. અત્યારે ખેતરોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે અને ખેડૂતો હવે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી વળતરની માંગ કરી રહ્યા છે.

