Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Raju Barot Death: The journey from 'Mirch Masala' to 'Shakuntal' ends, Gujarat Gaurav Award winner Raju Barot goes on an endless journey

Raju Barot Death: 'મિર્ચ મસાલા'થી 'શાકુંતલ' સુધીની સફરનો અંત, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા રાજુ બારોટ અનંતની યાત્રાએ

Timeછેલ્લું અપડેટ : 24 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Raju Barot Death: 'મિર્ચ મસાલા'થી 'શાકુંતલ' સુધીની સફરનો અંત, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા રાજુ બારોટ અનંતની યાત્રાએ
સોર્સ : Gstv

Raju Barot Passes Away: ગુજરાતની અસ્મિતા અને રંગભૂમિના દિગ્ગજ નાટયગુરુ એવા રાજુ બારોટના નિધનથી માત્ર એક કલાકાર નથી ગયા, પણ એક આખો સુવર્ણ યુગ અસ્ત પામ્યો છે. વાત છે 12થી 18 નવેમ્બર 1988ની, જ્યારે અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પટાંગણમાં પન્નાલાલ પટેલની અમર કૃતિ ‘માનવીની ભવાઈ’ પર આધારિત નાટક ભજવાયું હતું.

App Store

આ નાટકમાં રાજુ બારોટ (કાળુ) અને દીપ્તિ જોષી (રાજુ)ના મુખ્ય અભિનયે પ્રેક્ષકોને હચમચાવી દીધા હતા. આ નાટકની ભવ્યતા અને રાજુભાઈના દમદાર અભિનયની અસર એટલી હતી કે, બીજા દિવસે ‘ગુજરાત સમાચાર’ અખબારે તેના પ્રથમ પાના પર 4 કોલમનો વિશાળ ફોટો છાપીને આ નાટકને સન્માન આપ્યું હતું. સાહિત્યિક જગત અને રંગભૂમિના સમન્વયનું આ સર્વોચ્ચ શિખર હતું.

ગુજરાતી નાટ્યજગત અને રંગભૂમિના આકાશમાંથી ગત રોજ એક તેજસ્વી તારો ખરી પડ્યો છે. છેલ્લા પાંચ દાયકાથી પોતાની બુલંદ અવાજ અને સશક્ત અભિનયથી પ્રેક્ષકોના દિલ જીતનાર દિગ્ગજ અભિનેતા અને દિગ્દર્શક રાજૂ બારોટનું ૭૫ વર્ષની વયે નિધન થયું છે. વડોદરાની શેરીઓથી શરૂ કરીને દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સુધી તેમની કલાનો ડંકો વાગતો હતો.

તાલીમ અને NSD સાથેનું જોડાણ: 
રાજુ બારોટે અભિનયના શ્રીગણેશ વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી કર્યા હતા. ત્યારબાદ તેઓ દિલ્હી સ્થિત NSDમાં જોડાયા, જ્યાં તેમણે ઈબ્રાહિમ અલકાઝી જેવા મહાનુભાવો પાસેથી તાલીમ મેળવી. તેઓ રઘુવીર યાદવ અને અંજન શ્રીવાસ્તવ જેવા દિગ્ગજોના સહયોગી રહ્યા હતા.

રંગભૂમિ પરના સીમાચિહ્નો

રાજુ બારોટ વર્ષ-1977માં દિલ્હીથી પરત આવ્યા બાદ તેમણે ગુજરાતી રંગભૂમિને એક નવો વળાંક આપ્યો હતો. પન્નાલાલ પટેલની નવલકથા પર આધારિત નાટક 'માનવીની ભવાઈ' માં તેમની ભૂમિકાને કવિ ઉમાશંકર જોષી અને પન્નાલાલ પટેલે સ્વયં બિરદાવી હતી. તેમણે 'મદિરા' અને 'શાકુંતલ' જેવા નાટકોમાં ઐતિહાસિક પાત્રો ભજવીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.

સંસ્કૃત અને સામાજિક ઘરોબો
નાટયગુરુ રાજુ બારોટે  'ગુર્જર સંસ્કૃત રંગમ' સંસ્થા દ્વારા 'દૂતવાક્યમ્' અને 'પ્રબુદ્ધ રોહિણીયમ્' જેવા નાટકો સંસ્કૃતમાં ભજવી અમદાવાદને ક્લાસિકલ થિયેટરનો પરિચય કરાવ્યો. માત્ર એટલું જ નહીં, 'વોટર ઓ વોટર' જેવા નાટકો દ્વારા સામાજિક પ્રશ્નોને પણ વાચા આપી.

રૂપેરી પડદે પણ જાદુ
રાજુ બારોટે રિચાર્ડ એટનબરોની વિશ્વવિખ્યાત ફિલ્મ 'ગાંધી'માં કામ કર્યું હતું. આ ઉપરાંત કેતન મહેતાની 'મિર્ચ મસાલા' અને 'હોલી' જેવી રાષ્ટ્રીય કક્ષાની ફિલ્મોમાં પણ તેમના અભિનયના ઓજસ જોવા મળ્યા હતા. ગુજરાતી ફિલ્મ 'દીકરી મારી વ્હાલનો દરિયો' અને 'માણસાઈના દીવા' માં તેમની ભૂમિકા યાદગાર બની રહી છે.

એવોર્ડ અને સન્માન
કલા પ્રત્યેના તેમના સમર્પણ બદલ ગુજરાત સરકાર દ્વારા 1996માં 'ગૌરવ પુરસ્કાર' અને ૨૦૧૬માં NSD દ્વારા 'બી.વી. કારંત સ્મૃતિ પુરસ્કાર' થી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

સોર્સ:  ડૉ. સુભાષ બ્રહ્મભટ્ટ