Surat: સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી બદનામ કરનાર શિક્ષક ઝડપાયો

શિક્ષણ જગતને લાંછન લગાડનારી એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એક શિક્ષકે જ પોતાની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું. સુરત સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે કતારગામ વિસ્તારમાંથી ટ્યુશન ક્લાસના સંચાલક અને શિક્ષક ભાવેશ પટેલની ધરપકડ કરી છે.
કતારગામ વિસ્તારમાં 'પોઝિટિવ ટ્યુશન ક્લાસ' ચલાવતો અને શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશ પટેલની દાનત પોતાના ક્લાસમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર ખરાબ થઈ હતી. જોકે, વિદ્યાર્થિનીએ તેને કોઈ ભાવ ન આપતા, યુવતીને હેરાન-પરેશાન કરવા માટે શિક્ષક ભાવેશે ગંદું કાવતરું રચ્યું હતું.
વિદ્યાર્થિની, જેની હાલ ઉંમર 23 વર્ષ છે અને તે નોકરી કરી રહી છે, તેને બદનામ કરવા માટે ભાવેશે સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. આ ફેક એકાઉન્ટ પર તેણે યુવતીના મોર્ફ કરેલા ફોટા અપલોડ કર્યા હતા. શિક્ષક ભાવેશે વિદ્યાર્થિનીના પરિવારના સભ્યો સાથે એક વૉટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં પણ તેણે યુવતીના મોર્ફ કરેલા ફોટા મોકલીને આખા પરિવારને હેરાન-પરેશાન કર્યા હતા.
શિક્ષકની આ કરતૂતોથી કંટાળીને અને બદનામીથી ત્રસ્ત થઈને વિદ્યાર્થિનીના પરિવારના સભ્યોએ આખરે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ભાવેશ પટેલ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા જોતાં સુરત સાયબર ક્રાઇમ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને તપાસના આધારે સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી લોકોને બદનામ કરનાર શિક્ષક ભાવેશ પટેલને ઝડપી પાડ્યો હતો. હાલમાં પોલીસે ભાવેશ પટેલની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

