સુરત ભાજપ નેતાની પુત્રવધૂ આપઘાત કેસ, સ્યૂસાઈડ નોટના આધારે પતિ અને તેની ગર્લફ્રેન્ડની ધરપકડ

સુરત જિલ્લાના પલસાણા તાલુકા સ્થિત કડોદરાની શ્રીનિવાસ ગ્રીન સિટી સોસાયટીમાં 24મી ઓગસ્ટના રોજ ભાજપના મહિલા નેતાના પુત્રવધૂ નિધિ કુમારીએ પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં જ કડોદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં સામાન્ય આપઘાત જણાતો આ કેસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટ સામે આવ્યા બાદ ગંભીર વળાંક પર પહોંચ્યો હતો.
મૃતકના પરિવારે પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરી હતી
નિધિના મોત બાદ તેના પરિવારે શંકા વ્યક્ત કરી પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરી હતી. પીએમની કામગીરી દરમિયાન તબીબોને મૃતકના આંતરવસ્ત્રોમાંથી બે પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી. પરિવારજનોના જણાવ્યાનુસાર, સાસરી પક્ષ રાજકીય રીતે પ્રભાવશાળી હોવાથી પુરાવા નષ્ટ થવાની ભીતિ વચ્ચે નિધિએ સુસાઇડ નોટ પોતાના આંતરવસ્ત્રોમાં છુપાવી રાખી હતી. તબીબોએ આ ચિઠ્ઠી કાયદેસરની પ્રક્રિયા મુજબ પોલીસને સોંપી હતી.
પતિ અને તેની પ્રેમિકાના માનસિક ત્રાસથી કંટાળીને નિધિએ આ અંતિમ પગલું ભર્યાનો આક્ષેપ
આ મામલે મૃતકના ભાઈ આદિત્ય કુમારે કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, નિધિનો પતિ સૌરભ કુમાર ઈશિકા બેનરજી નામની યુવતી સાથે કથિત સંબંધ ધરાવતો હતો. પતિ અને તેની પ્રેમિકા દ્વારા અપાતા માનસિક ત્રાસથી કંટાળીને નિધિએ આ અંતિમ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સૌરભ કુમાર અને ઈશિકાની ધરપકડ
ફરિયાદ અને સુસાઇડ નોટના આધારે કડોદરા પોલીસે પતિ સૌરભ કુમાર અને ઈશિકા બેનરજી સામે આપઘાતની દુષ્પ્રેરણા (ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ) ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી છે. હાલ પોલીસ બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

