દક્ષિણ ગુજરાત બેહાલ: સુરત, નવસારી અને વલસાડ સહિત ૬ તાલુકામાં ૧૦ ઇંચથી વધુ વરસાદ

Gujarat Weather Updates : ગુજરાતમાં ગઇકાલે સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં નોંધાયો હતો. જ્યાં છેલ્લા 24 કલાકના આંકડા પ્રમાણે પલસાણા તાલુકામાં કુલ 18.19 ઈંચ, તો કામરેજમાં 17.4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે બાદ નવસારીમાં 15.28 ઇંચ તો સુરત શહેરમાં 14.09 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
સવારના બે કલાકમાં વલસાડમાં ધોધમાર વરસાદ
આજે વહેલી સવારથી બે કલાકના ગાળામાં 58 તાલુકામાં મેઘમહેર નોંધાઈ ચૂકી છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 24 મિ.મી. જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગમાં 20 મિ.મી. વરસાદ નોંધાઈ ચૂક્યો છે .આજે નવસારીમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. જ્યાં 17 મિ.મી. જેટલો વરસાદ પડી ચૂક્યો છે.


24 કલાકમાં 6 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં 18.19, કામરેજમાં 17.4, નવસારીમાં 15.28, સુરત શહેરમાં 14.09, વલસાડના કપરાડામાં 12.68 અને નવસારીના જલાલપોરમાં 11.02 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.





4થી 6 વાગ્યા સુધીમાં નર્મદાનો વારો પાડ્યો
ત્યારબાદ મેઘરાજાએ નર્મદા જિલ્લાનો વારો પાડતા વહેલી સવારે ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીના બે કલાકાના ગાળામાં જ નાંદોદમાં 2.36 ઈંચ જેટલી ધોધમાર બેટિંગ કરી હતી. જેના કારણે ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું.



સુરતમાં અડધી રાતે પણ મેઘરાજા ન થોભ્યા
જ્યારે રાતે 12 વાગ્યા બાદના પણ આંકડા સામે આવ્યા છે જે અનુસાર સુરતના ઉમરપાડામાં રાત્રિના બેથી ચાર વાગ્યાના અરસામાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરતાં 4.13 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેના લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.



